ઇતિહાસ સાક્ષી છે : સંકટમાં વધુ ખીલી ઊઠે છે નરેન્દ્ર મોદીના ગ્રહો

0
328

વિશ્લેષણઃ કન્હૈયા કોષ્ટી

અમદાવાદ, 21 મે, 2021 (BBN): નરેન્દ્ર મોદીને સત્તા અને ચૂંટણીના રાજકારણમાં આજે 7023 દિવસ પૂરા થયા છે. ઇતિહાસ સાક્ષી છે કે છેલ્લાં લગભગ 20 વર્ષના ગાળામાં જ્યારે-જ્યારે નરેન્દ્ર મોદી સંકટમાં ઘેરાયા છે ત્યારે-ત્યારે તેમના ભાગ્યના ગ્રહો વધારે ને વધારે ચમકી ઊઠે છે.

READ IN HINDI : इतिहास साक्षी है : संकट में और झिलमिला उठते हैं नरेन्द्र मोदी के सितारे

ગુજરાત (GUJARAT)માં લગભગ 13 વર્ષ લગી મુખ્યમંત્રી રહ્યા અને છેલ્લાં 7 વર્ષથી દેશના વડાપ્રધાન તરીકે કાર્યરત્ નરેન્દ્ર મોદી ફરી એક વાર સંકટમાં ઘેરાયેલા દેખાઈ રહ્યા છે. દેશમાં કોરોના (CORONA)ની બીજી લહેર માટે કોઈ પણ ભોગે નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવવા માટે મરણિયા થઈ ઊઠેલા મોદી વિરોધીઓ એવું માની રહ્યા છે કે આ વખતે તો મોદીને ઘેર બેસાડીને જ જંપીશું, પરંતુ મોદીના રાજકીય ઇતિહાસને નજીકથી નીરખનારા લોકોને સારી રીતે ખબર છે કે મોદી પર સંકટનાં વાદળો ઘેરાવાની સ્થિતિ મોદી વિરોધીઓનો થોડી વાર માટે ખુશ થવાનો ભ્રમમાત્ર હોય છે. આ આભાસી વાદળાં તો ટૂંક સમયમાં જ વિખેરાઈ જશે અને મોદી ફરીથી નવી ઊંચાઈ અને સુદૃઢતા સાથે ઊભરી આવશે, કારણ કે હકીકતમાં મોદી પર કોઈ સંકટ છે જ નહીં. મોદી પર સંકટ તો માત્ર એમના વિરોધીઓને દ દેખાઈ રહ્યું છે અને મોદી વિરોધીઓ પોતાના આ ભ્રમના કારણે જ છેલ્લાં વીસ વર્ષથી ભૂલ પર ભૂલ કરતા આવ્યા છે કે જેનાથી મોદીને હંમેશા ફાયદો થતો રહ્યો છે.

છેલ્લાં 20 વર્ષથી ઘૃણા અને ધિક્કારના રાજકારણના ભોગ બનતા રહેલા નરેન્દ્ર મોદી (NARENDRA MODI)ને રાજકીય રીતે ખતમ કરી દેવાના પ્રયાસોમાં જોતરાયેલા મોદી વિરોધી લોકો તથા જૂથો દરેક વખતે કોઈ પણ મુદ્દાને મોટું સ્વરૂપ આપી દેવાનો પ્રયત્ન કરતા રહે છે અને પાછળથી એમની આ કોશિશમાંથી કાવતરાનો ધુમાડો ઊઠે છે. મોદી વિરોધના ઊભરામાં મોદી વિરોધી ટોળકી એટલી નીચી કક્ષાએ જવાની ભૂલ કરી બેસે છે કે મોદી વિરોધ અનાયાસે રાષ્ટ્રીય અસ્મિતા સાથે સાંકળાઈ જાય છે કે જે મોદી વિરોધીઓને ઊંધા માથે પછાડે છે.

દર વખતની જેમ આ વખતે પણ કોરોના રોગચાળા અંગે મોદીને ઘેરી લઈ પોતાના રાજકીય રોટલા શેકી લેવા માટે પ્રયાસત કૉંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો અને આખા દેશમાં સક્રિય મોદી વિરોધી જૂથોએ મોદી પર ચારે તરફથી હુમલાઓ કર્યા છે અને તેઓ મોદીનો વિરોધ કરતાં કરતાં રાષ્ટ્રની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબિને નુકસાન પહોંચાડવા સુધીની ચેષ્ટા કરી બેઠા છે. મોદી વિરોધીઓનો આ નકારાત્મક ઊભરો જ તેમને બૅકફુટ પર લઈ જાય છે અને સામા પક્ષે મોદીને મજબૂત બનાવે છે.

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર વખતે નરેન્દ્ર મોદીએ એક વાર કહેલું, “”જેટલો કાદવ ઉછાળશો, એટલું જ વધારે કમળ ખીલશે. હું મારા પર ફેંકવામાં આવતા પથ્થરો પર પ્રત્યાઘાત નથી આપતો, પણ એ જ પથ્થરોની પગથિયાં બનાવીને આગળ વધી જાઉ છું.”

ઇતિહાસ સાક્ષી છે કે મોદી પર જ્યારે-જ્યારે સંકટ આવે છે અને તેમના પર જેટલા પણ પથરા ફેંકવામાં આવે છે, તે બધા જ પથરા તેઓ માટે પગથિયાં બની જાય છે. મોદીની વિશેષતા જ એ છે કે તેઓ પોતાના પર ફેંકાયેલા દરેક પથ્થરનો ઉપયોગ પોતાના માટે રસ્તો બનાવવામાં કરી શકે છે અને નકારાત્મકતામાંથી હકારાત્મક પરિણામ લાવી બતાવે છે. આ વાતનો પુરાવો આપતી એક જ ઘટના જોવી હોય, તો એ જોઈ શકાય કે નરેન્દ્ર મોદી એક નાનકડા રાજ્ય ગુજરાતના મુખ્યમંત્રી પદેથી દેશના વડાપ્રધાન પદે પહોંચ્યા.

નરેન્દ્રમોદીએ સત્તા અને ચૂંટણીલક્ષી રાજકારણમાં તો 1 ઑક્ટોબર, 2001ના રોજ પ્રવેશ કર્યો, પરંતુ 149 દિવસો સુધી તેઓ માત્ર ગુજરાતના એક મુખ્યમંત્રી તરીકે જ હતા. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધ રાકાંડ થયો અને નરેન્દ્ર મોદીનું નામ રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ ચર્ચિત નામ તરીકે ગાજવા લાગ્યું કે જે આજે 19 વર્ષ બાદ પણ ચાલુ છે.

ગોધરા કાંડ અને ગુજરાત રમખાણોથી શરૂ થયો સિલસિલો

27 ફેબ્રુઆરી, 2002ના રોજ વહેલી સવારે થયેલા ગોધરા કાંડ બાદ મોડી રાતથી જ ગુજરાતમાં કોમી રમખાણો ભડી ઉઠ્યા અને 28 ફેબ્રુઆરી, 2002થી સતત ચાર દિવસ ચાલેલા આ કોમી રમખાણોએ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે ગુજરાતના મુખ્યમંત્રી પદે બેઠેલા નરેન્દ્ર મોદી જોત-જોતાંમાં આખા દેશમાં કૉંગ્રેસ સહિત તમામ વિપક્ષોના નિશાને આવી ગયા. તેમની સામે ચારે તરફ ધિક્કારની હોળી સળગતી હતી.

ગોધરાકાંડ તથા ગુજરાત રમખાણોના સમયગાળા દરમિયાન કેન્દ્રમાં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટી (ભાજપ-BJP)-રાષ્ટ્રીય જનતાંત્રિક યુતિ (રાજગ-એનડીએ-NDA)ની સરકાર હતી. દેશમાં આઝાદી બાદ દાયકાઓથી દંભી બિનસામ્પ્રદાયિકતાના નામે રાજકીય રોટલો શેકી રહેલા લોકોને અનેક વારની જેમ આ વખતે પણ ભાજપની વિરુદ્ધ મજબૂત મુદ્દો મળી ગયો હતો. જોકે એ વાજપેયી હતા કે જેમણે બિનસામ્પ્રદાયિકતાનો દંભ કરનાર લોકોની સામે 1 મતથી પોતાની સરકારનો ત્યાગ કરી દીધો હતો, પરંતુ નરેન્દ્ર મોદી એવા મજબૂત મનોબળ ધરાવતા નેતા હતાં કે જેઓ કહેવાત દંભી બિનસામ્પ્રદાયિક રાજકીય પક્ષો અને નેતાઓની ટોળકીઓના ધિક્કારના રાજકારણ સામે પણ અડગ રહ્યા અને ગુજરાતના મુખ્યમંત્રી પદે ટકી રહ્યા. એનડીએમાં સામેલ સાથી પક્ષોના દબાણ છતાં ભાજપ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી દૂર કરવાનું સાહસ ન કરી શક્યો.

ગાળો-પથ્થરોનો વરસાદ, મોદી માટે બન્યા વરદાન

ગુજરાતનાં રમખાણો બાદ નરેન્દ્ર મોદી ઉપર ગાળો અને પથ્થરોનો વરસાદ શરૂ થયો, પણ એ બધું મોદી માટે વરદાન સાબિત થયું. ફેબ્રુઆરી-2002થી મોદી સતત દંભી બિનસામ્પ્રદાયિક રાજકીય પક્ષો અને રાષ્ટ્રવ્યાપી કટ્ટરપંથીઓના નિશાના પર રહ્યા, પરંતુ આ સાથે જ ગુજરાત સહિત દેશના એક મોટા વર્ગમાં મોદી મહાનાયક બનતા ગયા. મોદીએ વિરોધીઓના પથ્થરોથી ગુજરાત અને પોતાના વિકાસનો એવો ધોરીમાર્ગ કોતરી કાઢ્યો કે જે તેમને દેશના વડાપ્રધાન પદ સુધી લઈ ગયો અને મોદી સંસદની દહેલીજને મસ્તક અડાડી સાષ્ટાંગ પ્રણામ કરીને વડાપ્રધાન પદે બેઠા.

મોદી વિરોધનો ઊભરો મોદી વિરોધીઓને જ ભરખી ગયો

મોદીને ગુજરાતમાં કૉંગ્રેસ રાજકીય રીતે ઘેરી લેવાના પ્રયાસો કરતી રહી, તો રાષ્ટ્રીય સ્તરે મોદી વિરોધી ટોળકીઓનું સતત વિસ્તરણ થતું રહ્યું. પરંતુ મોદી વિરોધના ઊભરામાં મોદી વિરોધીઓ (ANTI MODI) જાતે જ ફસાવા લાગ્યા, કારણ કે ઊભરામાં કે વિરોધના સન્નિપાતમાં સમજણનો અભાવ હોય છે.. આ જ કારણે મોદી વિરોધીઓ પોતે જ ન સમજી શક્યા કે તેઓ મોદીનો વિરોધ કરતાં-કરતાં ક્યારે ગુજરાત વિરોધી બની બેઠા! મોદીએ પોતાની ઉપર થતા હુમલાઓનો પવન ગુજરાત તરફ ફેરવી નાખ્યો અને આ જ કારણે ગુજરાતે મોદીને ત્રણ-ત્રણ વાર ચૂંટણીમાં ભવ્ય વિજય અપાવ્યો.

અમેરિકન વિઝાથી સદ્બાવના મિશન સુધી

2002થી 2012 સુધી નરેન્દ્ર મોદી પોતાના વિરોધીઓના કારણે સતત રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહેવા લાગ્યા. મોદી વિરોધીઓએ જ મોદીનું કદ વધાર્યુ, કારણ કે મોદી વિરોધીઓ પાસે મોદીનો વિરોધ તો હતો, પણ મુદ્દાઓ નહોતા. ગુજરાત રમખાણોના નામે આંતરરાષ્ટ્રીય સ્તરે મોદીને બદનામ કરનારી ટોળકીનો અહંકાર આ ટોળકીઓને ગુજરાત બાદ આખી દુનિયામાં ભારતની છબિ બગાડવાની પરાકાષ્ઠા સુધી લઈ ગયો, જેના પગલે અમેરિકાએ મોદીને વિઝા આપવાનો ઇનકાર કરી દીધો. અમેરિકાનો ઇનકાર મોદી વિરોધીઓ માટે સૌથી મોટો પરાજય રહ્યો, કારણ કે અમેરિકાનો આ ઇનકાર ભારત (INDIA)ની આંતરિક બાબતોમાં અમેરિકાનો દખલ ગણાયો અને ભારત સરકાર તથા સત્તાપક્ષ ભાજપ જ નહીં, બલકે ભાજપ-મોદી વિરોધી રાજકીય પક્ષોને પણ અમેરિકાની વિરુદ્ધ મોદીના ટેકામાં આવવું પડ્યું.

સતત એક દાયકા સુધી ગુજરાતનાં રમખાણોના સંદર્ભે વિરોધીઓનાં ગાળો અને પથ્થરોનો સામનો કરી રહેલા મોદીએ તમામ નકારાત્મક પ્રચારો સામે આંખ આડા કાન કરી દઈ ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવાનો અભિગમ દાખવ્યો અને વર્ષ 2002 બાદ ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્ર સાથે ફરીથી રમખાણો ન થવા દઈને સામાન્ય પ્રજામાં એવો વિશ્વાસ પેદા કર્યો કે શાંતિમાં જ ભલાઈ છે. પોતાના આ મજબૂત અભિગમને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા માટે મોદીએ સદ્બાવના મિશન શરું કર્યું, જેને વિરોધીઓએ મોદીનું ધતિંગ ગણાવ્યું. તથાકથિત રાજકીય પંડિતોએ સદ્બાવના મિશનને મોદીના રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ તરીકે ચિતર્યું, પરંતુ મોદીનો ઇરાદો સ્પષ્ટ હતો. તેઓ ભારત સહિત દુનિયાને દર્શાવવા માગતા હતા કે ગુજરાતમાં લઘુમતીઓ પર અત્યાચારનો અપ્રચાર કરી ગુજરાતની કરાઈ રહેલી બદનામીમાં કોઈ દમ નથી.

દરેક વિરોધ રાષ્ટ્ર વિરોધી કાવતરું સાબિત થયો

નરેન્દ્ર મોદી 26 મે, 2014ના રોજ વડાપ્રધાન બન્યા. 5 દિવસ પછી એમના વડાપ્રધાન પદને 7 વર્ષ પૂરાં થશે. મોદીને પહેલાં ગુજરાતમાં, પછી વડાપ્રધાન બનતા અટકાવી ન શકનારા મોદી વિરોધી ટોળકીના લોકોએ છેલ્લાં 7 વર્ષમાં અનેક મુદ્દે મોદીને પૂરે-પૂરા ભીંસમાં લેવા માટે અનેક ધમપછાડા કર્યા છે, પરંતુ પાયા વિનાના આક્ષેપો દર વખતે રાષ્ટ્ર વિરોધી કાવતરાં જ સાબિત થયા છે. સીએએ (CAA)ના નામે મોદી વિરોધી ટોળકીના આગેવાનોએ શાહીનબાઘને નવો અડ્ડો બનાવ્યો, જે રાષ્ટ્ર વિરોધીઓનું કાવતરું સાબિત થયો. એ જ રીતે મોદી વિરોધીઓએ ખેડૂત આંદોલનના ખભે બંદૂક મૂકીને મોદી વિરોધી વાતાવરણ ઊભું કરવાની તક ઝડપી લેવાની મથામણ કરી જોઈ, પરંતુ ત્યાં પણ ટ્વિટર ટૂલકિટના માધ્યમથી તેમના આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ થઈ ગયો. તાજી ઘટનાઓ જોઈએ, તો કોરોના ચેપ માટે મોદીને જવાબદાર ઠેરવવાના પ્રયાસો થયા. અહીં પણ મોદી વિરોધીઓએ મોદીનું રાજકીય એનકાઉંટર કરવા માટે ‘રાષ્ટ્રીય અસ્મિતા’ને લોહીલુહાણ કરવાની પરાકાષ્ઠા સર્જી દીધી. મોદી વિરોધ એક એવી ફૅશન બની ગયો કે રાષ્ટ્ર વિરોધી ટૂલકિટ સુધી તેને સ્વરૂપ અપાયું કે જે રીતે ખેડૂત-આંદોલનમાં બનાવાયું હતું.

મોદીનું મૌન જ સૌથી મોટી શક્તિ

મોદી વિરોધના નામે છેલ્લાં 20 વર્ષથી રાષ્ટ્રની છબિ બગાડવાની મર્યાદાઓ પાર કરી દેનારા મોદી વિરોધીઓની આ મોટી ભૂલ મોદીને દરેક આભાસી સંકટ બાદ મજબૂત બનાવીને મેદાનમાં ઉતારે છે, કારણ કે મોદી હંમેશા આપત્તિને અવસરમાં પરિવર્તિત કરી દેવાની ક્ષમતા અને શક્તિ ધરાવે છે. ગુજરાતનાં રમખાણોથી માંડીને અત્યાર સુધી; એટલે કે લગભગ 20 વર્ષના ગાળામાં નરેન્દ્ર મોદી જ્યારે-જ્યારે રાજકીય કે પ્રાકૃતિક સંકટોમાં ઘેરાયા, ત્યારે-ત્યારે તેઓ તેમના પર થયેલા હુમલાઓ સામે મૌન રહેતા આવ્યાં છે. મોદીએ મૌનને પોતાનું શસ્ત્ર બનાવ્યું છે. ગુજરાતનાં રમખાણો બાદ જ્યારે મોદીને સીધે-સીધો સવાલ કરાતો હતો કે “તમે મુસ્લિમોને મરાવ્યા. મુસ્લિમોને મારી રહેલા હિન્દુઓને અટકાવ્યા નહીં”, ત્યારે પણ મોદી મુદ્દાસર અને ટૂંકો જવાબ આપીને મૌન થઈ જતા હતા. આજે પણ જ્યારે કોરોના મહામારીનો બીજો તબક્કો આવ્યો છે, ત્યારે ચારે તરફથી મોદીને જવાબદાર ઠેરવવાની મથામણો થઈ રહી છે. રાજકારણના મેદાનથી માંડીને સોશિયલ મીડિયા સુધી મોદી પર અપશબ્દોના પથ્થરો ફેંકી ધિક્કાર ફેલાવાઈ રહ્યો છે. આવા તબક્કે પણ મોદી મૌન છે અને એ જ એમની શક્તિ તથા વ્યૂહરચના છે, પરંતુ ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે સંકટમાં મૌન રહીને નિષ્ઠાપૂર્વક કર્તવ્ય-કર્મ કરનારા મોદી સંકટમાંથી હેમખેમ બહાર આવીને વિરોધીઓને આશ્ચર્યચકિત કરી દે છે અને આ વખતે પણ મોદી એ જ તકની પ્રતીક્ષા કરી રહ્યા છે.

READ IN HINDI : इतिहास साक्षी है : संकट में और झिलमिला उठते हैं नरेन्द्र मोदी के सितारे