
પ્રેમલગ્ન કરીને પૉલૅંડ રહેવા ગયેલા પુત્રને કૅંસર બાદ પત્નીએ છોડી દીધો
પત્નીએ હૉસ્પાઇસમાં તરછોડેલા ઈશને યોગ્ય સારવાર મળે તો સાજો થવાની તકો ઊજળી
અહેવાલ : શ્રી કન્હૈયા કોષ્ટી, અનુવાદ : કવિ પ્રકાશ જલાલ
અમદાવાદ, 15 એપ્રિલ, 2021 (બીબીએન). સંપૂર્ણ સૃષ્ટિમાં માતાને સાક્ષાત્ ઈશ્વરનો અવતાર ગણાય છે. માતા તે હોય છે, જે પોતાના સંતાનના સુખ-શાંતિ માટે કોઈ પણ હદે જઈ કોઈ પણ દુ:ખ-કષ્ટ સહન કરવા હંમેશા તૈયાર રહે છે. માતા પોતાના સંતાનને કષ્ટમાં જોઈ જ નથી શકતી.
એવા જ એક માતા છે અનૂપ વિનોદ મહાજન કે જેમનો પુત્ર હાલ પૉલૅંડ (POLAND) ખાતે જીવતે-જી મરવા માટે મજબૂર છે. તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. દેશના પાટનગર દિલ્હી ખાતે રહેતા 71 વર્ષીય અનૂપ મહાજનનો 47 વર્ષીય પુત્ર બીમાર છે, પરંતુ તેને ત્યાં પરાણે મોતના મુખમાં ધકેલી દેવાયો છે. વૃદ્ધ માતા આજીજી કરતા કહે છે કે તેના પુત્ર ને ભારત પરત લાવવામાં આવે, તો તેને મૃત્યુથી બચાવી શકાય છે. અનૂપ મહાજને પોતાના પુત્ર ઈશ મહાજન ને ભારત પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા વિદેશ પ્રધાન એસ. જયશંકરને વિનમ્ર વિનંતી કરી છે.
અનૂપ મહાજને આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું છે, ‘મારો 47 વર્ષીય પુત્ર ઈશ મહાજન કૅંસરનો દર્દી છે અને હાલમાં જીવન-મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે. તેને જીવનના આ મહત્ત્વના સમયમાં ભારત લાવવામાં આવે અને સરકાર આમાં મદદરૂપ નીવડે એવું ઈશનો પરિવાર ઇચ્છે છે, એમ તેમણે જણાવ્યું છે.
તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, મારા પુત્ર ઈશ મહાજને પૉલૅંડના ક્રકાઉ (Krakow) ખાતે બ્રેઇન સર્જરી કરાવી હતી, તેની સારવારમાં સહાયતા માટે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે ઈશને મેડિકલ રિહેબિલિટેશન ફૅસિલિટી (Medical Rehabilitation Facility)માં મોકલવાનો આગ્રહ કર્યો છે. ત્યાંનો સમગ્ર ખર્ચ અમારા ખભે ઉઠાવવાની જવાબદારી પણ અમે લીધી છે. તેમ છતાં હૉસ્પાઇસ (Hospice)માં તેને મોકલી દેવાયો છે.
જ્યાં દર્દીને કોઈ પણ પ્રકારની સારવાર વિના પીડારહિત મૃત્યુ માટે મોકલી દેવામાં આવે છે તે સ્થળને હૉસ્પાઇસ કહેવામાં આવે છે.

અનૂપ મહાજન નામની આ વૃદ્ધા માતાએ દુઃખિત સ્વરે લખ્યું છે કે, ઈશ મહાજન (ISH MAHAJAN)માં હૉસ્પાઇસમાં સારવાર વગર પણ સાજા થવાનાં લક્ષણો દેખાઈ રહ્યાં છે. તે બંને આંખો ખોલી શકે છે. હાથ-પગ પણ થોડા હલાવી શકે છે. તે જાતે શ્વાસોચ્છવાસની ક્રિયા કરી શકે છે. ઈશને ફરીથી સાજા થવાની પૂરેપૂરી શક્યતાઓ છે, અને તે જોઈ-તપાસીને અમે તેને ભારતમાં ગુરુગ્રામ (ગુડગાંવ)-હરિયાણા ખાતેની મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કરાવવા ઇચ્છીએ છે. અમે મેદાંતા હૉસ્પિટલનો સંપર્ક કર્યો છે. ત્યાંના ન્યૂરોલોૉજી નિષ્ણાત ડૉ. વી. પી. સિંહને અમે ઈશના સહિતના તમામ મેડિકલ રિપોર્ટ મોકલી આપ્યા છે. ડૉ. સિંહે આ રિપોર્ટ તપાસીને અમને એક પત્ર લખ્યો છે. આ પત્ર અમે પૉલૅંડ ખાતેના ભારતીય હાઈ કમિશનર તથા ત્યાંની અદાલતને પત્ર પાઠવીને ઈશ મહાજનને તાત્કાલિક ભારત મોકલવાનો આગ્રહ કર્યો છે.
અનૂપ મહાજને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી શ્રી એસ. જયશંકર તથા વિદેશ મંત્રાલયને આ સમગ્ર કેસમાં તાત્કાલિક દરમિયાનગીરી કરીને ઈશ મહાજનને ભારત લાવવાની વિનંતી કરી છે.
અનૂપ મહાજને વડાપ્રધાન શ્રી મોદીને પત્રમાં જણાવ્યું છે કે, મારો પુત્ર મેડિકલ સહાયતા અને સારવાર વિના મોતના મુખમાં જઈ રહ્યો છે. આપ મારા પુત્રને બચાવવા માટે તાત્કાલિક પગલાં ભરો. માનવતાના નાતે હું મારા યુવાન અને એકમાત્ર પુત્રને ભારત લાવવાની વિનંતી કરું છું.
આ છે ઈશ મહાજનની પૂરી કહાણી
ઈશ મહાજને પૉલેન્ડની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યું હતું, પરંતુ આજકાલ બંને અલગ રહે છે. ઈશનાં માતા-પિતાનો આરોપ છે કે, ઈશની પત્નીએ જ પતિને મરવા માટે છોડી દીધો છે. તેણે જ ઈશને હૉસ્પાઇસમાં મોકલી આપ્યો છે. ઈશનાં માતા-પિતા અનૂપ મહાજન તથા વિનોદ મહાજનનું કહેવું છે કે, ઈશને હૉસ્પાઇસમાંથી મુક્ત કરીને તથા સારી હૉસ્પિટલમાં દાખલ કરાવવા માટે તેની પત્નીની મંજૂરી જરૂરી છે, કેમ કે, પૉલેન્ડના કાયદા મુજબ, પતિ પર પ્રથમ અધિકાર તેની પત્નીનો હોય છે, પરંતુ ઈશની પત્ની ઈશને હૉસ્પાઇસમાંથી બહાર લાવીને કોઈ સારી હૉસ્પિટલમાં દાખલ કરાવવા તૈયાર નથી.
માતાએ વહુ વિરુદ્ધ કોર્ટ-કેસ કર્યો
પૉલેન્ડના કાનૂનના સકંજામાં ફસાયેલા પુત્ર ઈશને બચાવવા માટે માતા અનૂપે પૉલેન્ડની અદાલતમાં વહુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સાથોસાથ, એમણે પૉલૅંડના વિદેશ મંત્રાલયનો દરવાજો પણ ખટખટાવ્યો છે. અનૂપ મહાજનનું કહેવું છે કે, ભારતીય વિદેશ મંત્રાલય પણ વિશેષ રસ લે તો તેમના યુવાન પુત્રને બચાવીને નવજીવન આપી શકાય એમ છે.
આપ પણ જુઓ ઈશની દયનીય પરિસ્થિતિ અને કાનોકાન સાંભળો દુઃખી માતાનો આર્તનાદઃ