રૂપાણીનો માસ્ટરસ્ટ્રોક : ગુજરાતને જ ‘ઘર’ બનાવી લેશે પરપ્રાંતીય મજૂરો, નહીં લે ‘વાપસી’નું નામ…

0
753

રૂપાણી સરકારનું 14000 કરોડનું  ‘આત્મનિર્ભર ગુજરાત’ પૅકેજ

ગરીબો અને મજૂર વર્ગ માટે બનશે 1.60 લાખ ઍફૉર્ડેબલ મકાનો

આદિવાસી શ્રમિકોને પાકાં ઘર બનાવવા મળશે રૂપિયા 35,000ની સબસિડી

વિશ્લેષણ : શ્રી કન્હૈયા કોષ્ટી, ગુજરાતી અનુવાદ : કવિ પ્રકાશ ‘જલાલ’

અમદાવાદ (7 જૂન, 2020). કોરોના વાઇરસ (CORONA VIRUS)થી ફેલાયેલી વૈશ્વિક મહામારી કોવિડ 19 (COVID 19)ના કારણે દેશભરમાં 68 દિવસો સુધી લાગુ રહેલા લૉકડાઉન (LOCKDOWN)એ ગરીબ વર્ગની કમર તોડી નાખી. આમાં સૌથી વધારે સમસ્યા, કષ્ટ-પીડા અને તકલીફો કરોડો મજૂરોને ભોગવવી પડી, જેમની સૌપ્રથમ તો રોજીરોટી છીનવાઈ ગઈ અને પછી ખાવાપીવાની પણ તકલીફો પડવા લાગી. આવા તબક્કે સમગ્ર દેશનાં વિવિધ રાજ્યોમાં રહેતા અન્ય રાજ્યોના મજૂરોએ પોતાનો જીવ બચાવવા માટે  ‘ઘરવાપસી’નો જ રસ્તો અપનાવ્યો.

ગુજરાતમાં પણ ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોના મજૂરો રહે છે. દેશભરમાં મજૂરોની પીડાદાયક પદયાત્રાનાં દ્રશ્યો વચ્ચે ગુજરાત સરકાર અને તેના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સંવેદનશીલ વલણ અપનાવ્યું અને અન્ય રાજ્યોના (પરપ્રાંતીય) શ્રમિકોની સલામત તથા ક્ષેમકુશળતા સહિતની  ‘ઘર વાપસી’ની એવી કષ્ટરહિત અને સંતોષપૂર્ણ વ્યવસ્થા કરી કે જેના કારણે ગુજરાતમાંથી ‘ઘરવાપસી’ કરીને પોતાનાં વતનની વાટ પકડનારા શ્રમિકો-મજૂરોના ચહેરાઓ પર સ્મિત છલકાઈ ઊઠ્યું અને પાછા આવવાની લાલસા પણ જાગી ઊઠી.

Read In Hindi : रूपाणी का मास्टरस्ट्रोक : गुजरात को ही ‘घर’ बना लेंगे श्रमिक, नहीं लेंगे ‘वापसी’ का नाम…

ગુજરાત એક ઔદ્યોગિક અને વ્યાવસાયિક રાજ્ય છે અને શ્રમિકો-મજૂરો જ ગુજરાતના વિકાસ તથા ગુજરાતની પ્રગતિના મૂળ આધાર છે, તેથી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ હવે એવો માસ્ટરસ્ટ્રોક ચલાવ્યો કે જેનાથી ગુજરાતમાંથી ‘ઘર વાપસી’ કરી ચૂકેલા લાખો શ્રમિકોની ગુજરાત-વાપસીનો રસ્તો સરળ થઈ શકે છે.

ગુજરાત અને મુખ્યમંત્રી શ્રી રૂપાણી એ બાબત સારી રીતે સમજે છે કે, શ્રમિકો જ રાષ્ટ્ર નિર્માતા છે તથા ગુજરાતના કર્ણધાર પણ છે. આ જ કારણે શ્રી વિજય રૂપાણીએ ગત તા. 4 જૂનના રોજ 14,022 કરોડ રૂપિયાનું આત્મનિર્ભર ગુજરાત આર્થિક પૅકેજ જાહેર કર્યું. તેમાં સૌથી વધારે ધ્યાન રાજ્યના શ્રમિકો, સ્થાનિક અને આદિવાસી શ્રમિકો તથા લારી વગેરે ચલાવીને રોજી-રોટી કમાનારા ગરીબ વર્ગો પર કેન્દ્રિત કરાયું છે.

હવે  ‘બીજું નહીં, પહેલું ઘર બનશે ગુજરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ 19 તથા લૉકડાઉનના કારણે સંકટો સામે બાથ ભીડી રહેલાં સમાજનાં તમામ ક્ષેત્રો માટે 14,022 કરોડ રૂપિયાનું વિશેષ આર્થિક પૅકેજ જાહેર કર્યું, પરંતુ આ પૅકેજમાં રૂપાણીની આ આંતરિક સંવેદના સ્પષ્ટ રીતે ઊભરીને સામે આવી ગઈ કે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં મજૂરી કરવા આવનારા શ્રમિકો હવે ગુજરાતને  ‘બીજું’ નહીં, પરંતુ ‘પહેલું’ ઘર બનાવી લે. આ જ કારણે આ પૅકેજમાં 1000 કરોડ રૂપિયા ઍફૉર્ડેબલ મકાનો બાંધવા માટે ફાળવવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર નિર્માણ ક્ષેત્ર સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં ઝડપ લાવવા માટે 1 લાખ 60 હજાર પરવડે એવાં મકાનોનું બાંધકામ કરી આપશે તથા તેના માટે 1000 કરોડ રૂપિયાની સબસિડી આપશે, જેથી મજૂરોને સસ્તા ભાવમાં ‘ઘરનું ઘર’ બનાવવાની તક મળે. આ જાહેરાતનો સૌથી વધારે લાભ ગરીબ અને શ્રમિક વર્ગના લોકોને થશે, જેમાં મોટા ભાગના લોકો અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં કમાણી અને મજૂરી માટે આવતા હોય છે.

મજૂરોને આ મકાનો સસ્તા ભાવમાં અપાશે. હવે, જ્યારે અન્ય રાજ્યોના મજૂરોને ગુજરાતમાં જ સસ્તું ઘર મળી જશે તો તેઅ કોરોના સહિત કોઈ પણ સંકટપૂર્ણ સ્થિતિમાં  ‘ઘરવાપસી’ માટે મજબૂર નહીં થાય.

મજૂરોને અપનાવીને ઊભું કરાશે આત્મનિર્ભર ગુજરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલા પૅકેજ અનુસાર, રાજ્ય સરકાર અન્ય રાજ્યોના મજૂરો માટે ગુજરાતમાં જ સસ્તા ભાવે મકાનો ઉપલબ્ધ કરાવશે. કોઈ ખાસ રાજ્યનો નામોલ્લેખ ટાળીને કહી શકાય કે અનેક રાજ્યોમાં પરપ્રાંતીય મજૂરોની સાથે  ‘પારકા’ જેવું અને ‘અળખામણા’ જેવો વ્યવહાર સુધ્ધાં કરાયો છે.

પરંતુ ગુજરાતની પોતાની ઔદ્યોગિક, વ્યાવસાયિક અને માનવીય સંવેદનાથી પરિપૂર્ણ સંસ્કૃતિ છે, જેના પગલે ગુજરાતે કદી પણ અન્ય રાજ્યોના લોકો સાથે કોઈ ભેદભાવ રાખ્યો નથી, અને કોરોના સંકટ દરમિયાન એકમાત્ર ગુજરાત જ એવું રાજ્ય બનીને ઊભર્યું છે કે જેણે અન્ય રાજ્યોના શ્રમિકોને ‘ઘર વાપસી’ કરતી વખતે ભાવુક થવા મજબૂર કરી દીધા છે.

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત પૅકેજમાં અન્ય રાજ્યોના શ્રમિકો માટે 1.60 લાખ પરવડે એવાં મકાન બનાવવા તથા 1000 કરોડ રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરીને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ગુજરાત માત્ર ગુજરાતના ગરીબો-મજૂરોને જ ‘પોતાના’ નથી માનતું, બલકે અન્ય રાજ્યોના ગરીબો-શ્રમિકોને પણ  ‘પોતાના’ જ ગણે છે, અને એ સૌના આધારે જ ‘આત્મનિર્ભર ગુજરાત’ બનાવવા માગે છે.

સ્થાનિક આદિવાસી શ્રમિકોને પણ મળશે સ્થિરતા

આત્મનિર્ભર ગુજરાત આર્થિક પૅકેજમાં ગુજરાત સરકારે સ્થાનિક આદિવાસી શ્રમિકો માટે પણ 350 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ જોગવાઈ હેઠળ આદિવાસી મજૂરોને પોતાના ગામમાં જ પાકાં ઘર બનાવવા માટે 35,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. ગુજરાતમાં અનેક એવા ઉદ્યોગ-ધંધા છે જે આદિવાસી વિસ્તારોની આસપાસ છે.

આ સ્થળો પર આદિવાસી શ્રમિકો મજૂરી માટે જાય છે. સ્થાનિક હોવાના કારણે તેમને રોજગારી આપવામાં પ્રાથમિકતા અપાય છે. આ આદિવાસી શ્રમિકોની પાસે રહેવા માટે પાકાં મકાનો હોતાં નથી. અનેક આદિવાસી મજૂરોને રોજગાર માટે અન્ય જિલ્લાઓમાં પણ જવું પડતું હોય છે.

મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ તમામ પ્રકારના આદિવાસી મજૂરો માટે પાકાં ઘર બનાવવાની જે જાહેરાત કરી છે તેનાથી વિચરતા આદિવાસી મજૂરો અને તેમના પરિવારોને સ્થાયી ઘર અને સ્થિરતા પ્રાપ્ત થશે.

ગરીબ વર્ગના તમામ લોકો પર રૂપાણી સરકારની અમીદૃષ્ટિ

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ 14,022 કરોડ રૂપિયાના આત્મનિર્ભર ગુજરાત પૅકેજમાં નાના-મોટા ઉદ્યોગ-ધંધા, વ્યવસાયો, દુકાનદારો, મધ્યમ વર્ગના સામાન્ય માણસો માટે અનેક જાહેરાતો કરી, પરંતુ મોટા ભાગની જાહેરાતોથી ગરીબ વર્ગના મજૂરો સહિત તમામ લોકોને વધારે લાભ થશે. પૅકેજમાં એક તરફ ગરીબ મજૂરો માટે અફોર્ડેબલ મકાનો, સ્થાનિક આદિવાસીઓ માટે પાકાં મકાનોની સબસિડી જેવી જોગવાઈઓ છે, તો બીજી તરફ, શ્રમિકો-મજૂરો-ગરીબોને અઢી લાખ રૂપિયા સુધીની લોન આપવા માટે 300 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરાઈ છે.

લારી-ગલ્લાવાળાઓ, ફળફળાદિ વેચનારાઓને ચોમાસામાં મોટા કદની છત્રીની વ્યવસ્થા કરવા માટે 10 કરોડ રૂપિયા અપાશે. અમદાવાદ, સુરત અને રાજકોટના શ્રમિકોને કડિયા નાકાઓ, શેરી-મહોલ્લાઓથી તથા કાર્ય સ્થળ પર સિટી-બસમાં પહોંચાડવા માટે 50 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરાઈ છે.

બાંધકામ સાથે સંકળાયેલા મજૂરોની પત્ની અને મહિલા-મજૂરોને 2 બાળકો સુધી પ્રસૂતિ-સહાયતા તરીકે 6 કરોડ રૂપિયા, ગરીબ પરિવારોને મફત અનાજ, પરિવારોને બૅંક-ખાતાંઓમાં ડીબીટી દ્વારા 1000 રૂપિયાની ચુકવણી, વૃદ્ધ સહાયતા પેંશન, દિવ્યાંગ પેંશન, વિધવા પેંશનની અગ્રિમ ચુકવણી માટે પૅકેજમાં 7374.67 કરોડ રૂપિયા જારી કરાશે.

Read In Hindi : रूपाणी का मास्टरस्ट्रोक : गुजरात को ही ‘घर’ बना लेंगे श्रमिक, नहीं लेंगे ‘वापसी’ का नाम…