અમદાવાદ : કોષ્ટી સમાજે LOCKDOWNમાં ગુમાવી આ ‘વટવૃક્ષો’ની છાયા… ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

0
889

કોઈને અંતિમ દર્શન કરી ન શકાયાનું દુઃખ, કોઈ દુઃખમાં ભાગીદાર ન બની શકવાથી દુઃખી

KSSCST, KSA તથા KSCTA તરફથી સૌ સદ્દગતને ભાવભીની શ્રદ્ધાંજલિ

નાનકડી વસ્તી ધરાવતા કોષ્ટી સમાજે કર્યું લૉકડાઉનના નિયમોનું સંપૂર્ણ પાલન

અહેવાલ : ફૂલચંદ કોષ્ટી, ગુજરાતી ભાષાંતર : કવિ પ્રકાશ ‘જલાલ’

અમદાવાદ (1 જૂન, 2020). કોરોના (CORONA) વાઇરસના સંક્રમણના વૈશ્વિક રોગચાળા કોવિડ 19 (COVID 19)ના કારણે તા. 25 માર્ચથી લાગુ કરાયેલું લૉકડાઉન તા. 31 મે રવિવારના રોજ પૂર્ણ થઈ ગયું. આ લૉકડાઉન 4 તબક્કામાંથી પસાર થયા બાદ હવે 1 જૂન એટલે કે સોમવારથી પાંચમા તબક્કામાં ‘અનલૉક-1’ના નવા નામ સાથે લાગુ થઈ રહ્યું છે.

68 દિવસોના આ લૉકડાઉન (LOCKDOWN)એ એક તરફ ભારતમાં કરોડો લોકોના જીવનનું રક્ષણ કર્યું, તો બીજી તરફ આ લૉકડાઉને ધાર્મિક-સામાજિક ક્ષેત્રની તમામ પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે ઠપ્પ કરી દીધી. આપણા સામાન્ય જનજીવનમાં ઘણી વાર કહેવાય છે કે, “કોઈની ખુશીમાં સામેલ ભલે ન થઈ શકાય, કોઈ વાંધો નહીં; પણ દુઃખમાં તો દુશ્મનને પણ દિલાસો આપવામાં સંકોચ ન કરવો જોઈએ,,,”, પરંતુ કોરોનાના સ્વરૂપે એક એવું વિકરાળ સંકટ આવ્યું કે જેના કારણે તમામ જાતિ-સમાજોમાં દુઃખની ઘડીમાં ખભે મૂકાનારા હાથ ખૂટી ગયાં!

 હા જી. આપણે વાત કરી રહ્યા છીએ એ લોકોની કે જેમના ઘરમાં લૉકડાઉન દરમિયાન કોઈકનું અવસાન થયું. સામાન્ય દિવસોમાં કોઈના ઘેર કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને શોકમગ્ન પરિવારજનોને સાંત્વન આપવા માટે લોકોની ભારે ભીડ રહેતી હોય છે, પરંતુ લૉકડાઉન દરમિયાન દરેક સમાજે દુઃખની આવી ઘડીમાં પોતાની જાતને માત્ર દૂર જ ન અનુભવી બલકે સામેથી પહેલ કરીને લોકોને દૂર પણ રાખ્યા.

Read In Hindi : अहमदाबाद : कोष्टी समाज ने LOCKDOWN के बीच खोई इन ‘वटवृक्षों’ की छाया… : भावपूर्ण श्रद्धांजलि

 આવો જ એક સમાજ છે કોષ્ટી સમાજ. 78 લાખની વસ્તી વાળા અમદાવાદ મહાનગરમાં કોષ્ટી સમાજનો નાનકડા કુટુમ્બ જેવો છે. જ્યારે અમદાવાદમાં મિલો ધમધમતી હતી, ત્યારે એ જમાનામાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાંથી વર્ષો પૂર્વે અમદાવાદમાં આવીને વસેલા આ કોષ્ટી સમાજના લોકો અહીં આવ્યા બાદ સંપૂર્ણ રીતે ગુજરાતી બની ગયા.

કોરોનાનાં કારણે લદાયેલ લૉકડાઉનના ‘સુખદ’ બંધન અને ‘દુઃખદ’ સમયની વચ્ચે અમદાવાદમાં વસનારા નાનકડા કોષ્ટી સમાજે પણ અનેક પ્રકારનાં કષ્ટોને વેઠીને કોરોનાથી બચવા માટે લૉકડાઉનના તમામ નિયમોનું પાલન કર્યું. આ જ કારણે 68 દિવસોમાં કોષ્ટી સમાજમાં બારથી વધારે વયોવૃદ્ધો/વડીલોનું નિધન થયું, પણ મૃતકોનાં નજીકનાં સગાં-સંબંધીઓ તેમના અંતિમ સંસ્કાર સાથે સંકળાયેલી તમામ પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ન શક્યા.

કોષ્ટી સમાજમાં 68 દિવસોના આ લૉકડાઉન દરમિયાન લગભગ 15 માણસોનું મૃત્યુ થયું. તેમાં મોટા ભાગના વયોવૃદ્ધ વડીલજનો હતા કે જેઓ કોષ્ટી સમાજ માટે વટવૃક્ષ સમાન હતા. સમાજના અનેક સદસ્યોને આ મૃતક વડીલોનાં અંતિમ દર્શન કરી ન શકવાની, અનેક લોકોને મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કરવાની કે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની તક ન મળવાનું દુઃખ છે, તો કેટલાય લોકો પોતાનાં સગાંના દુઃખમાં ભાગીદાર ન બની શકવાથી દુઃખી છે.

અમદાવાદ ખાતે કોષ્ટી સમાજનું અલગ-અલગ સ્તરે નેતૃત્વ કરનાર ત્રણ સંગઠનો કોષ્ટી સમાજ અમદાવાદ (KSA), કોષ્ટી સમાજ ચૅરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ (KSCTA) તથા કોષ્ટી સમાજ સીનિયર સિટીઝન સેવા ટ્રસ્ટ (KSSCST)એ લૉકડાઉન દરમિયાન ‘એકાંત મૃત્યુ’ને પ્રાપ્ત થનારા આ તમામ વડીલ મૃતકો પ્રત્યે શોક સંવેદના વ્યક્ત કરી છે.

કેએસએ તથા કેએસસીટીએના અધ્યક્ષ અનિલ ભગવાનદાસ કોષ્ટી, ઉપાધ્યક્ષ મૂકેશ રામચરણ કોષ્ટી, સચિવ ગોપીચંદ ઈશ્વરલાલ કોષ્ટી, કેએસએસસીએસટીના અધ્યક્ષ રતિલાલ ગૌરીશંકર કોષ્ટી તથા ઉપાધ્યક્ષ હરિલાલ રામલાલ કોષ્ટીએ જણાવ્યું, “સમાજના તમામ બંધુઓને નમ્ર નિવેદન છે કે આપ જ્યારે પણ આ શ્રદ્ધાંજલિને વાંચો ત્યારે એ જ સમયે 30 સેકંડ માટે અટકી જજો અને ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિનું ઉચ્ચારણ કરજો.” આ પદાધિકારીઓએ આ રીતે તમામ જાણ્યા-અજાણ્યા મૃતકો અને તેમનાં પરિવારજનોની માહિતી એકત્ર કરી અને ભવ્ય ભારત ન્યૂઝ (BBN)ના માધ્યમથી સમાજના લોકો સુધી મૃતકોની માહિતી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

બીબીએન પણ કોષ્ટી સમાજના આ પ્રયાસમાં સહભાગી થવાને સમાજની સેવા માનીને મૃતકોની ઉપલબ્ધ યાદી પ્રકાશિત કરી રહ્યું છે, જે નીચે મુજબ છેઃ

રામગોપાલ બાબૂલાલ કોષ્ટી – જયરામભાઈની ચાલી, ભાઈપુરા, અમદાવાદ – દિવંગત થયા તારીખઃ 04-05-20
નર્મદાબહેન જગદીશભાઈ કોષ્ટી – વિવેકાનંદ નગર, હાથીજણ, અમદાવાદ – દિવંગત તા. 12-05-20
ગીતાબહેન જગદીશભાઈ કોષ્ટી – વિરાટનગર, ઇસનપુર, અમદાવાદ – દિવંગત તા. 20-05-20
મમતાબહેન ગોપાલભાઈ કોષ્ટી – કોલબા સ્વામી સોસાયટી, હાટકેશ્વર, અમદાવાદ – દિવંગત તા. 30-05-20
પાર્વતીબહેન રમેશભાઈ કોષ્ટી – અજય ટેનામેન્ટ, વસ્ત્રાલ, અમદાવાદ – દિવંગત તા. 30-05-20
કાન્તિલાલ કોદૂલાલ કોષ્ટી – ઇસનપુર, અમદાવાદ – દિવંગત તા. 30-05-20
રાનીબહેન તુલસીદાસ કોષ્ટી – કાલિદાસની ચાલી, ગોમતીપુર, અમદાવાદ – દિવંગત તા. 24-05-20
ગણપત તેજીલાલ કોષ્ટી – પુષ્પમનગર, ભાઈપુરા, હાટકેશ્વર, અમદાવાદ – દિવંગત તા. 24-05-20
ચંપકલાલ કરોડીમલ કોષ્ટી – જયમાલા બસસ્ટૅન્ડ, ઇસનપુર, અમદાવાદ – દિવંગત તા. 24-05-20
મોહનલાલ બાબૂલાલ કોષ્ટી – ઋષિકેશનગર, હાટકેશ્વર, અમદાવાદ – દિવંગત તા. 13-05-20
જમનાબહેન રોહિતભાઈ કોષ્ટી – ઘનશ્યામનગર, કૅનાલ રોડ, ઘોડાસર, અમદાવાદ – દિવંગત તા. 24-05-20
લીલાબહેન મોહનલાલ કોષ્ટી – દિવંગત તા. 30-05-2020
રમીલાબહેન મધુસૂદન કોષ્ટી – જુગલદાસની ચાલી નંબર-3, ઈદગાહ રોડ, અમદાવાદ – દિવંગત તા. 28-04-2020
કૌશલ્યાબહેન રામદાસ કોષ્ટી – જુગલદાસની ચાલી નંબર-3, ઈદગાહ રોડ, અમદાવાદ – દિવંગત તા. 28-04-2020
તારાબહેન કાન્તિલાલ કોષ્ટી – જુગલદાસની ચાલી નંબર-3, ઈદગાહ રોડ, અમદાવાદ – દિવંગત તા. 29-05-2020

અમદાવાદમાં વસનારા કોષ્ટી સમાજમાં સામાન્ય રીતે કોઈના નિધન પર શોકસંતપ્ત પરિવારજનોને આશ્વાસન આપવા માટે ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી સગાં-સંબંધીઓ મૃતકના ઘેર રહે છે, અનેક પ્રકારની વિધિઓ હોય છે અને ક્યાંક ક્યાંક બારમી-તેરમી જેવી પરંપરાઓ પણ નિભાવીને મૃતકનાં પરિવારજનો પોતાના પૂર્વજો પ્રત્યે પોતાની અંતિમ જવાબદારીઓ પૂર્ણ કરતા હોય છે.

અનિલ ભગવાનદાસ કોષ્ટી, મૂકેશ રામચરણ કોષ્ટી, ગોપીચંદ ઈશ્વરલાલ કોષ્ટી, રતિલાલ ગૌરીશંકર કોષ્ટી અને હરિલાલ રામલાલ કોષ્ટીએ જણાવ્યું કે, “લૉકડાઉન 1.0થી લઈને લૉકડાઉન 4.0 સુધી કલમ 144 અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ બાદ આખા મહાનગરમાં રાત્રિ-કરફ્યૂ દરમિયાન કોષ્ટી સમાજે પોતાના અનેક મહાનુભાવોને ગુમાવી દીધા, જેમાં કેટલાક તો સમાજ માટે વટવૃક્ષની છાયા સમાન હતા. સંકટ અને પરીક્ષાની આ ઘડીમાં અમે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ સદ્દગત સભ્યોનાં અંતિમ દર્શન કરી ન શક્યા કે અંતિમ વિધિમાં ભાગ ન લઈ શક્યા.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “અમે લૉકડાઉન દરમિયાન દિવંગત થયેલા તમામ બંધુઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આ વડીલોની ખોટ તેમનાં પરિવારજનોને તો અનુભવાશે જ પરંતુ સાથોસાથ સમાજ પણ તેમની ખોટથી મુક્ત નહીં રહે. આ સદ્દગત સભ્યોનાં પરિવારજનો પર આવેલી આ દુઃખની ઘડીમાં અમે પરમકૃપાળુ પરમાત્માને હાથ જોડીને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે, હે કૃપાનિધાન ! દિવંગતોનાં પરિવારજનોને આ દુઃખ અને પીડા સહન કરવાની શક્તિ પ્રદાન કરો તથા દિવંગત આત્માઓને આપ આપનાં ચરણોમાં શરણ આપીને તેમને ચિર શાંતિ પ્રદાન કરો.”

Read In Hindi : अहमदाबाद : कोष्टी समाज ने LOCKDOWN के बीच खोई इन ‘वटवृक्षों’ की छाया… : भावपूर्ण श्रद्धांजलि