ઇતિહાસ સાક્ષી છે : તો શું ધીમે-ધીમે CURFEW તરફ આગળ ધપી રહ્યું છે અમદાવાદ ?

0
584

પાછા ફરશે ‘જાહેર માર્ગો પર સૂનકાર, જવાનોનો બંદોબસ્ત અને ફ્લૅગ માર્ચ’ ?

કર્ફ્યુના ‘આદી’ અમદાવાદીઓ કર્ફ્યુથી ઓછામાં નહીં માને ?

લૉકડાઉનરૂપી અંકુશમાં રહ્યાં નિરંકુશ, તો હવે થાઓ તૈયાર…

સાત દિવસમાં નહીં સુધર્યા, તો શું કર્ફ્યુ જ બની રહેશે ‘બ્રહ્માસ્ત્ર’?

જો નહીં સમજો ‘સાન’માં, તો ARMY લેશે બાન’માં !

વિશ્લેષણ : કન્હૈયા કોષ્ટી, ગુજરાતી અનુવાદ : કવિ પ્રકાશ ‘જલાલ’

અમદાવાદ (6 મે, 2020). ઇતિહાસ અંગે સામાન્ય રીતે એવું કહેવાય છે કે, ‘ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરતો હોય છે.’ કંઇક આવી જ પરિસ્થિતિ ભારતનાં મોટાં મહાનગરો પૈકીના એક તથા ગુજરાત (GUJARAT)ના આર્થિક પાટનગર અમદાવાદમાં ઊભી થઈ છે ! અમદાવાદમાં વૈશ્વિક રોગચાળા કોવિડ 19 ઉપર નિયંત્રણ મેળવવા માટે કરાયેલા લાખો પ્રયાસો બાદ પણ કોરોનાના ચેપવાળા લોકોની સંખ્યા દિવસે ને દિવસે તીવ્ર ગતિએ સતત વધતી જ રહી છે.

Read Also In Hindi : इतिहास साक्षी है : तो धीरे-धीरे CURFEW की ओर बढ़ रहा है अहमदाबाद ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRA MODI)એ ગત 25 માર્ચથી લાદેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન બાદ પણ મોદીના પોતાનાં જ ગૃહ રાજ્ય ગુજરાતમાં ખાસ કરીને આર્થિક પાટનગર અમદાવાદમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી શક્યું થી. આ જ કારણે ગુજરાત સરકાર અને અમદાવાદ મહાનગર પાલિકા (AMC)એ આજથી 7 દિવસ માટે આ મહાનગરને શટડાઉનમાં નાખવાનો કડક નિર્ણય લેવો પડ્યો છે અને આ નિર્ણય હેઠળ અમદાવાદમાં તા. 21 મે સુધી માત્ર દૂધ અને દવાઓની જ દુકાનો ખુલ્લી રહેશે. શાકભાજી અને અનાજ-કરિયાણા સહિતની આવશ્યક સેવાઓમાં આવનારી તમામ સામગ્રીઓના વેચાણ પર પ્રતિબંધ રહેશે.

અમદાવાદીઓએ બેફામ બનીને સોશિયલ ડિસ્ટંસિંગના લીરે-લીરા ઉડાડ્યાં

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સેલ્ફ-ક્વૉરંટાઇન થયા બાદ તેમનો પદભાર સંભાળી રહેલા મુકેશ કુમારે બુધવારે મોડી સાંજે જેવી અમદાવાદ (AHMEDABAD)માં 7 દિવસના શટડાઉનની જાહેરાત કરી કે તરત જ અમદાવાદીઓમાં ભાગદોડ મચી ગઈ. આ મહાનગરના લોકો એ બાબત ભૂલી ગયાં કે લડાઈ જીવલેણ રોગ કોરોના (CORONA)ની સામે છે કે જેમાં સોશિયલ ડિસ્ટંસિંગ સૌથી મહત્ત્વની બાબત છે, પરંતુ શટડાઉનની જાહેરાતની સાથે જ અમદાવાદનાં બજારોમાં ભીડ ઊમટી પડી અને સોશિયલ ડિસ્ટંસિંગના એવા ધજાગરા ઊડ્યાં કે જે ગામડાના લોકોની સરખામણીમાં શિક્ષિત ગણાતા શહેરીજનો માટે તો શરમજનક જ ગણાય!

લૉકડાઉનમાં પણ અનલૉક રહેલા અમદાવાદીઓ શટડાઉનને સમજશે ખરાં?

અમદાવાદ આજથી 7 દિવસ માટે શટડાઉન થઈ ગયું છે, પરંતુ તેના માટે જવાબદાર કોણ ? શું કોરોના-સંક્રમિતો વચ્ચે 40 દિવસથી કાર્ય કરતાં-કરતાં સેલ્ફ-ક્વોરન્ટાઇન (SELF QUARANTINE)ની સ્થિતિમાં પહોંચી ગયેલા વિજય નહેરા ? હકીકતમાં અમદાવાદ (AHMEDABAD)ને શટડાઉન સુધીની સ્થિતિમાં પહોંચાડવા માટે જવાબદાર છે એ લોકો કે જેઓ લૉકડાઉનમાં પણ અનલૉક રહ્યા છે.

ઘરમાં રહેવાના બદલે જાહેર માર્ગો પર કોઈ ખાસ કારણ વિના લોકો વધારે નિકળ્યા. શાકભાજી અને કરિયાણાવાળાઓ કોરોનાનાં સુપર-સ્પ્રેડર બની ગયા. આ જ કારણે 42 દિવસના લૉકડાઉન બાદ પણ અમદાવાદમાં કોરોના-સંક્રમિતોની સંખ્યા 6 મે સુધીમાં 4,716 ઉપર પહોંચી ગઈ.

આખા ગુજરાતમાં જો કોરોના-સંક્રમિતોનો આંકડો 6,625 જેટલો ઊંચો છે, તો તેનું કારણ અમદાવાદ (AMDAVAD) અને અમદાવાદીઓ (AMDAVADIS) છે. આવામાં પ્રશ્ન એ થાય છે કે જે અમદાવાદીઓએ લૉકડાઉનને માન ન આપ્યું, તેઓ શટડાઉનથી અંકુશમાં આવી જશે ખરા?

ઘટનાઓ અને તસવીરો કરી રહી છે કર્ફ્યુની ભવિષ્યવાણી

હવે ફરીથી ઇતિહાસ તરફ પાછા ફરીએ. અમદાવાદનો ઇતિહાસ કહે છે કે જ્યારે-જ્યારે અહીંના રહીશો નિરંકુશ બન્યા છે, ત્યારે-ત્યારે તેમને નિયંત્રિત કરવા માટે રાજ્ય શાસન અને પોલીસ વહીવટીતંત્ર દ્વારા અનેક ઉપાયો વચ્ચે અંતિમ ઉપાય ઉપર પહોંચવામાં વિલંબ કરાયો નથી. જી હા! અંતિમ ઉપાય એટલે કર્ફ્યુ (CURFEW).

1946થી માંડીને 2002 સુધી અમદાવાદની અનેક સારી-સારી ઓળખોમાં એક નરસી ઓળખ અવાર-નવાર લાગુ કરાતા કર્ફ્યુની પણ હતી. અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથ રથયાત્રા 1946થી લઈને 1956-1969ના મહાગુજરાત આંદોલન, 1969નાં રમખાણો, 1975નું નવનિર્માણ આંદોલન (રોટી રમખાણ), 1985નાં અનામત-વિરોધી તોફાનો, 1990-92નું રામમંદિર-આંદોલન તથા 2002ના ગોધરાકાંડ પછી થયેલાં તોફાનો.

દર વખતે મુદ્દો સાંપ્રદાયિક કે હિન્દુ-મુસ્લિમ વચ્ચેની તકરાર નહોતો, પરંતુ નિરંકુશ અમદાવાદીઓને નિયંત્રિત કરવા માટે વહીવટી તંત્રે લાઠીચાર્જ, અશ્રુવાયુના ગોળાઓ, કૉમ્બિંગ જેવાં શસ્ત્રો નિરર્થક નિવડતાં કર્ફ્યુનું બ્રહ્માસ્ત્ર જ વાપર્યું છે.

આવી સ્થિતિમાં લૉકડાઉન (LOCKDOWN)ના 42 દિવસ અને શટડાઉનના કેટલાક કલાકો પહેલાંની કેટલીક ઘટનાઓ અને તસવીરો એવી છે કે જે ભવિષ્યવાણી કરી રહી છે કે ત્રણ-ત્રણ મહિનાઓ સુધી કર્ફ્યુ વેઠવામાં સક્ષમ અમદાવાદીઓ કર્ફ્યુથી ટેવાયેલા છે અને કોરોના-વિરોધી યુદ્ધમાં પણ વહીવટીતંત્ર અમદાવાદમાં છેવટે કર્ફ્યુ નામના બ્રહ્માસ્ત્રનો જ ઉપયોગ કરવા મજબૂર થઈ શકે છે.

આપણે નહીં સુધરીએ, તો ઇતિહાસ પુનરાવર્તન પામશે

હવે અમદાવાદના લોકો પાસે 7 દિવસનો સમય છે. જો આ સાત દિવસમાં અમદાવાદીઓ પોતાની જાતને નહીં સુધારે, ઘરમાં રહેવાનું નહીં શીખે, તો ઇતિહાસ તો પોતાના પુનરાવર્તનની રાહ જ જોઈને બેઠો છે ! પોતાના 7 દાયકાના કર્ફ્યુ-ઇતિહાસમાં અમદાવાદની પ્રજાએ અનેક વાર જાહેર માર્ગો પર સન્નાટો-સૂનકાર, પોલીસ તથા ઘણી વખત તો સેનાના જવાનોનો કડક ચોકી-પહેરો, સેનાનું ફ્લૅગમાર્ચ તથા દેખો ત્યાં ઠારના આદેશ જેવી સ્થિતિઓ જોઈ છે.

જો લૉકડાઉનની લગામથી કાબૂમાં ન આવેલા અમદાવાદીઓ શટડાઉન (SHUTDOWN)ને સલામ નહીં કરે, તો એવા ભવિષ્યનો અણસાર આવી રહ્યો કે અમદાવાદના એક મોટા ભૂભાગને કડક પ્રતિબંધો તથા ચોકી-પહેરાથી સજ્જ કર્ફ્યુનો સામનો કરવાની નોબત આવશે અને એ કર્ફ્યુ એવો હશે કે જેમાં દૂધ અને દવાઓ પણ નહીં મળે ! એટલું જ નહીં, માર્ગ પર વાહન વ્યવહાર બંધ અને પ્રતિબંધિત થઈ જશે.

ટૂંકમાં, કર્ફ્યુ એટલે પૂર્ણ ગૃહબંધી. જાહેર માર્ગો અને રસ્તાઓ પર માત્ર ને માત્ર સૂનકાર, સન્નાટો અને અત્ર-તત્ર-સર્વત્ર માત્ર સલામતી દળોના જવાનોના ચોકી-પહેરા જ નજરે પડશે. આ 7 દિવસોમાં જો કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો નહીં થાય, જો કેસોમાં થઈ રહેલા બેફામ વધારા પર અંકુશ મેળવી નહીં શકાય, તો શક્ય છે કે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર અમદાવાદને સેના (ARMY)ના હવાલે કરવા માટે મજબૂર થઈ જશે કે જે ઇતિહાસમાં અનેક વાર થઈ ચૂક્યું છે !

Read Also In Hindi : इतिहास साक्षी है : तो धीरे-धीरे CURFEW की ओर बढ़ रहा है अहमदाबाद ?