TV WORLD : નાના પડદે થઈ રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણનો મોટો જય-જયકાર

0
802

કળિયુગમાં છવાઈ ગયાં દ્વાપરના અવતારી પુરુષ શ્રી કૃષ્ણ

અલગ અલગ ચૅનલો પર શ્રી કૃષ્ણનાં અનેક અવતારો !

આલેખ : કવિ પ્રકાશ ‘જલાલ’

અમદાવાદ (5 મે, 2020). ‘હરિ તારાં હજાર નામ…. કયા નામે લખવી કંકોતરી !’ એવું આપણા ભક્ત કવિઓએ ગાયું છે. આ પંક્તિ એટલા માટે યાદ આવી કે હાલમાં નાના પડદે ભગવાન શ્રી કૃષ્ણનાં અનેક સ્વરૂપો છવાઈ ગયાં છે. એમાંથી કયા શ્રી કૃષ્ણને સ્મરવા ? જોકે એ તો ભક્તની ભક્તિ પર આધારિત બાબત છે. તેમ છતાં એટલું તો નિશ્ચિત છે કે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ પ્રેમ અને જ્ઞાનનું સ્મરણ છે.

જ્ઞાન-ભક્તિના સંત અને મહાપ્રભુ વલ્લભાચાર્યે જે શ્રી કૃષ્ણની ભક્તિમાં જીવન ખપાવી નાખ્યું અને શ્રી કૃષ્ણ ભગવાનને સમજવાની સાચી દૃષ્ટિ લોકોમાં પ્રસારિત કરી, તેવા ભગવાન શ્રી કૃષ્ણને લોક-સમુદાયમાં પ્રેમના ભગવાન (GOD OF LOVE) તરીકે સદાય અમર સ્થાન મળેલું છે. ફિલ્મો હોય, ટેલીફિલ્મો હોય, શૉર્ટફિલ્મો હોય, ડૉક્યુમેન્ટરી ફિલ્મ હોય કે ટીવી શ્રેણી હોય – શ્રી કૃષ્ણને નિહાળવા લોકો સદાય આતુર હોય છે. મોટા પડદે તો ભગવાન શ્રી કૃષ્ણ અનેક વાર આવી ગયા છે, પણ તે પછી TELEVISION (TV)નો જમાનો આવ્યો, ત્યારે ટીવીના નાના પડદે પણ અનેક શ્રેણીઓ (TV SERIALS)માં ભગવાન શ્રી કૃષ્ણની અનેક ભૂમિકાઓ સારા-સારા કલાકારોએ ભજવી અને લોકોમાં આ સીરિલો ખૂબ લોકપ્રિય બની.

Read In Hindi : छोटे पर्दे पर छाया कृष्ण कन्हैया : दर्शकों को मोह रहे बंशीबजैया से लेकर सुदर्शन चक्रधारी के विभिन्न रूप…

રામાનંદ સાગરની ટીવી શ્રેણી ‘રામાયણ’માં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ (ARUN GOVIL) આજે પણ જ્યાં પણ જાય, ત્યાં લોકો તેમને પ્રભુ શ્રી રામ તરીકે નિહાળે છે. જ્યારે 1987માં રામાયણનું દૂરદર્શન (DOORDARSHAN) પર પહેલી વાર પ્રસારણ થયુ હતું, ત્યારે તો લોકો અરુણ ગોવિલને રીતસરનાં પગે લાગતા હતા. એવું તેમણે એક મુલાકાતમાં કહેલું. એટલું જ સન્માન ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર ભજવનારને પણ મળતું રહ્યું છે.

સમગ્ર રાષ્ટ્ર ઉપર હાલમાં કોરોના વાયરસ (CORONA VIRSUS)ના કારણે ફેલાયેલા કોવિડ 19 (COVID 19) રોગચાળા અને તેને નિયંત્રિત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (NARENDRA MODI)એ લાદેલા લૉકડાઉન (LOCKDOWN) વચ્ચે નાના પડદે રામાયણથી મહાભારત સુધી અનેક ધાર્મિક શ્રેણીઓ શરુ થઈ છે. પ્રસાર ભારતી (PRASAR BHARATI)એ રામાયણ સાથે કરેલી પહેલ બાદ હવે અનેક ખાનગી ચૅનલો ઉપર પણ ધાર્મિક સીરિયલોનો મારો શરૂ થયો છે.

વાત જો, ભગવાન કૃષ્ણની કરવામાં આવે, તો હાલમાં ચાલતી સીરિયલોમાં અનેક કલાકારો ભગવાન શ્રી કૃષ્ણ ની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમાંથી દર્શકોને કોણ સૌથી વધારે આકર્ષણ પમાડી રહ્યા છે ? તે સંશોધનનો વિષય છે; પરંતુ અહીં હાલમાં ચાલતી સીરિયલોમાં ભગવાન શ્રી કૃષ્ણના પાત્રો પર નજર કરીએ.

નિતિશ ભારદ્વાજ

આજ-કાલ આપણા ઘરમાં નાના પડદા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ ચાર-ચાર સ્વરૂપે પધારી રહ્યા છે. લગભગ દરરોજ વિવિધ સ્વરૂપે આપણે તેમને જોઇએ છીએ. ડીડી ભારતી (DD BHARATI) ચૅનલ ઉપર આપણને મહાન ફિલ્મ દિગ્દર્શક બી.આર. ચોપરા (B .R. CHOPRA)ની ‘મહાભારત’ (MAHABHARAT) શ્રેણી જોવાની મળી રહી છે. આ શ્રેણીમાં નિતિશ ભારદ્વાજે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી છે. આ જ મહાભારત સીરિયલ ‘કલર્સ’ (COLORS) ચૅનલ ઉપર પણ પ્રસારિત થઈ રહી છે.

સ્વપ્નિલ જોશી

ડીડી નેશનલ (DD NATIONAL) ચૅનલ ઉપર હમણાં જ ગત 3 મેના રોજથી રામાનંદ સાગર (RAMANAND SAGAR)ની ‘ક્રિષ્ણ’ (KRISHNA) સીરિયલનો પ્રારંભ થયો છે. આ સીરિયલમાં બાળ કૃષ્ણની ભૂમિકામાં આપણા ગુજરાતી કલાકાર સ્વપ્નિલ જોશી (SWAPNIL JOSHI)એ જીવ રેડી દીધો છે.

સર્વદમન બૅનર્જી

સ્વપ્નિલ ‘ઉત્તર રામાયણ’ (UTTAR RAMAYAN)માં લવ-કુશની જોડીમાં કુશ તરીકે પણ દેખાયા હતાં. તેથી તેમને ઓળખની જરૂર નથી, પણ સ્વપ્નિલ કંસના વધ સુધીની ભૂમિકા સુધી જ રહેશે. તે પછી મોટી વયના અને મુખ્ય પાત્ર તરીકે શ્રી કૃષ્ણની ભૂમિકા સર્વદમન ડી. બૅનર્જી (SARVADAMAN D. BANNERGEE)એ ભજવી છે.

સુમેધ મુદગલકર

સ્ટાર ભારત (STAR BHARAT) ઉપર ‘રાધા ક્રિષ્ણ’ (RADHA KRISHNA) સીરિયલ રાત્રે નવ વાગ્યે આવે છે. તેનું શૂટિંગ હાલમાં લૉકડાઉનના કારણે સ્થગિત થયું છે, પરંતુ સ્ટાર ભારત પર હાલ રાધા કૃષ્ણના સીરિયલના જૂના એપિસોડ દર્શાવવામાં આવી રહ્યા છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકામ એક્ટર-ડાન્સર સુમેધ મુદગલકર (SUMEDH MUDGALKAR) છે. આ સીરિયલ 1 ઑક્ટોબર, 2018થી શરૂ થઈ છે કે જે પૂર્ણ થવાની બાકી છે.

મેધન જાધવ

સાગર પિક્ચર્સ દ્વારા નિર્મિત ‘જયશ્રી ક્રિષ્ણ’ (JAI SHRI KRISHNA) સીરિયલ કલર્સ ઉપરથી રાત્રે નવ વાગ્યે પ્રસારિત થાય છે. તેમાં મેઘન જાધવ (MEDHAN JADHAV)એ શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી છે. તા. 21 જુલાઈ 2008થી તા. 15 સપ્ટેમ્બર, 2009 સુધી તે પ્રસારિત થઈ હતી, પરંતુ હાલમાં પુન: પ્રસારિત થઈ રહી છે.

સૌરભ રાજ જૈન

સ્ટાર પ્લસ (STAR PLUS) ચૅનલ ઉપર 2013-14માં પ્રસારિત થયેલ સ્વસ્તિક પ્રોડક્શન્સ (SWASTIK PRODUCTIONS)ની ‘મહાભારત’ સીરિયલ પણ રજૂ થાય છે કે જેમાં કૃષ્ણની ભૂમિકામાં સૌરભ રાજ જૈન (SAURABH RAJ JAIN) અભિનય કરી રહ્યા છે.

જોકે, અગાઉ 4 જુલાઈ, 2011થી એનડીટીવી ઇમેજિન (NDTV IMAGINE) ઉપર ‘દ્વારકાધીશ ભગવાન શ્રી ક્રિષ્ણ’ (DWARKADHEESH BHAGWAN SHREE KRISHN) સીરિયલ રજૂ થતી હતી, તે આ ચૅનલ ઓચિંતી બંધ થવાથી એપ્રિલ 2012માં અટકી ગઈ. તેમાં વિશાલ કરવાલ (VISHAL KARWAL) શ્રી કૃષ્ણની ભૂમિકામાં હતા.

વિષ્ણુ પુરાણનું ટૂંકમાં જ આગમન

વળી, ટૂંક સમયમાં બી. આર. ચોપરાની ‘વિષ્ણુપુરાણ’ (VISHNU PURAN) સીરિયલ પણ ડીડી ભારતી પર શરુ થવાની છે. જોકે આ સીરિયલમાં ભગવાન વિષ્ણુના દશાવતારો દર્શાવવવામાં આવ્યા છે. તેમાં પણ એક અવતારમાં તો શ્રી કૃષ્ણને નિહાળી શકાશે. વિષ્ણુ પુરાણમાં પણ બી. આર. ચોપરાએ કૃષ્ણના રોલ માટે પોતાના ફૅવરિટ નિતિશ ભારદ્વાજની પસંદગી કરી હતી. તેથી આ સીરિયલમાં નિતિશ ભારદ્વાજ વધુ એક વાર કૃષ્ણની ભૂમિકા ભજવતાં દેખાશે.

હવે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નાના પડદા પર આટલા મોટાં થઈ ગયાં છે, ત્યારે આટલી બધી ભૂમિકાઓમાંથી દર્શકોને કોણ વધારે રિઝવે છે ? તે જોવાનું રહ્યું. ગમે તે હોય, પરંતુ શ્રી કૃષ્ણ મારી-તમારી અને ટીવીની નજરે જોવાની મજા કઇંક ઓર જ છે !

Read In Hindi : छोटे पर्दे पर छाया कृष्ण कन्हैया : दर्शकों को मोह रहे बंशीबजैया से लेकर सुदर्शन चक्रधारी के विभिन्न रूप…