કરતાર, કાબુલ અને કુરબાની : ‘છુપાઈને ભાગી છૂટવા કરતાં ફાંસીના માંચડે મરી ફીટવું સારું’

0
720

આલેખ : કન્હૈયા કોષ્ટી, ગુજરાતી અનુવાદ : કવિ પ્રકાશ ‘જલાલ’

અમદાવાદ (24 મે, 2020). આજના યુગમાં જે ઉંમરે કિશોર કે યુવાનો શાળામાં ભણતા હોય છે કે કોઈ રમત-ગમત, ખાસ કરીને મોબાઇલ ગેમ્સ વગેરેમાં ડૂબેલા રહેતા હોય છે કે પછી હરવા-ફરવામાં આનંદ માણતા હોય છે એ જ નાની ઉંમરે કરતાર સિંહ સરાભા નામના મહાન ક્રાંતિકારીએ દેશ માટે પોતાની જાતનું બલિદાન આપી દીધું હતું. કરતાર સિંહને સ્વાતંત્ર્ય-સંગ્રામના ‘અભિમન્યુ’ પણ કહેવાય છે, જેમણે માત્ર 19 વર્ષની વયે દેશ માટે પોતાના પ્રાણ અર્પી દીધા. મરતાં મરતાં આ વીર બલિદાનીએ માત્ર એટલું જ કહ્યું કે, મા ભારતીની સ્વતંત્રતા માટે વારંવાર જન્મ લઈશ અને તેને સ્વતંત્ર કરાવીશ. આ મહાન શૂરવીર, બલિદાની, ત્યાગી, સાહસિક અને સ્વતંત્રતા-સેનાનીનું નામ હતું કરતાર સિંહ સરાભા.

Read In Hindi : करतार, क़ाबुल और क़ुर्बानी : ‘छिप कर भागने से अच्छा है कि मैं फाँसी के फंदे पर चढ़ जाऊँ…’

કરતાર સિંહ સરાભાએ ભારતના સ્વતંત્રતા-સંગ્રામનાં પાનાંમાં પોતાના રક્તથી જે અધ્યાય ઉમેર્યો છે તે આજે પણ એક અભૂતપૂર્વ દ્રષ્ટાંત છે. આજે આ મહાન ક્રાંતિકારી કરતાર સિંહ સરાભાની 124મી જન્મ જયંતી છે. તેમનો જન્મ તા. 24 મે, 1896ના રોજ પંજાબના લુધિયાણાના સરાબા ગામમાં થયો હતો. 19 વર્ષના ઓછા આયુષ્યમાં કરતાર સિંહે તા. 16 નવેમ્બર, 1915ના રોજ હસતા મોઢે પોતાનો જીવ ભારતમાતાનાં ચરણોમાં ન્યોછાવર કરી દીધો હતો. જો આજના યુવાનો સરાભાના દર્શાવેલા માર્ગે ચાલે તો માત્ર પોતાનું જ નહીં, બલકે દેશનું પણ મસ્તક ઉન્નત કરી શકે છે.

બંગભંગ વિરોધી આંદોલને વાવ્યાં હૃદયમાં ક્રાંતિનાં બીજ

કરતાર સિંહ સરાભાનો જન્મ તા. 24 મે, 1896ના રોજ પંજાબના લુધિયાણાના સરાબા ગામમાં થયો હતો.  તેમનાં માતાનું નામ સાહિબ કૌર અને પિતાજીનું નામ મંગલસિંહ હતું. કરતાર સિંહની એક નાની બહેન પણ હતી, જેનું નામ ધન્ન કૌર હતું. કરતાર સિંહના બાળપણમાં જ તેમના પિતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. તેમના દાદા બદનસિંહ સરાભાએ તેમનો અને તેમની નાની બહેનનો ઉછેર કર્યો.

કરતાર સિંહે પોતાનું પ્રારંભિક શિક્ષણ લુધિયાણામાં જ મેળવ્યું. 9મું ધોરણ પાસ કર્યા બાદ તેઓ પોતાના કાકા, કે જેઓ ઓડિશામાં વનવિભાગના અધિકારી હતા, તેમની પાસે ઓરિસ્સા (હવે ઓડિશા) ચાલ્યા ગયા. કરતાર સિંહે ત્યાં હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. તે સમયે ઉડિશા બંગાળ રાજ્ય અંતર્ગત આવતું હતું, જેનું વિભાજન કરવાનો અંગ્રેજોએ નિર્ણય લીધો હતો.

પરિણામે, 1905માં બંગાળ વિભાજન વિરુદ્ધ ક્રાંતિકારી આંદોલન શરૂ થઈ ગયું હતું. બંગભંગ વિરોધી આંદોલનથી પ્રભાવિત થઈને કરતાર સિંહ સરાભા ક્રાંતિકારીઓના સમૂહમાં ભળી ગયા. જોકે, તેમને તે માટે કદી કેદી ન બનાવાયા, પરંતુ તેમના હૃદયમાં ક્રાંતિકારી વિચારોનાં મૂળ છેક ઊંડાણ સુધી પહોંચી ગયાં હતાં.

મહાન ક્રાંતિકારી લાલા હરદયાલ સાથે મુલાકાત

કરતાર સિંહ 1911માં હાઈસ્કૂલ બાદ પોતાના કેટલાંક સગાં-સંબંધીઓ સાથે અમેરિકા ચાલ્યા ગયા. એક વર્ષ બાદ એટલે કે, 1912માં કરતાર સિંહ સૅન ફ્રાન્સિસ્કો ગયા. સૅન ફ્રાન્સિસ્કો પહોંચ્યા ત્યારે એક અમેરિકન અધિકારીએ તેમને પૂછ્યું, “તમે અહીં કેમ આવ્યા છો?” કરતાર સિંહે નીડરતાથી સ્પષ્ટ જવાબ આપ્યોઃ “હું ઉચ્ચ શિક્ષણ મેળવવાના હેતુસર આવ્યો છું.” તેઓ અભ્યાસ કરીને વિમાન બનાવવા અને ચલાવવાનું શીખવા માગતા હતા, પરંતુ દુર્ભાગ્યવશ કરતાર સિંહનું ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું પૂર્ણ થઈ ન શક્યું.

જોકે, તેમણે પોતાના આ સ્વપ્નની પૂર્તિ માટે એક કારખાનામાં કામ કરવાનું શરૂ કરી દીધું. આ સમય દરમિયાન તેમનો સંપર્ક બંગાળના મહાન ક્રાંતિકારી લાલા હરદયાલ સાથે થયો. લાલા હરદયાલ અમેરિકામાં રહેવા છતાં પણ ભારતની સ્વતંત્રતા માટે સતત પ્રયત્નશીલ હતા. તેમણે સૅન ફ્રાન્સિસ્કોમાં રહીને અનેક સ્થળોની મુલાકાત લીધી અને ભાષણો આપ્યાં હતાં. કરતાર સિંહ સરાભા તેમની સાથે રહેવા લાગ્યા અને લાલા હરદયાલના દરેક કાર્યમાં સહયોગ આપવા લાગ્યા.

‘ગદર’ અખબારની પંજાબી આવૃત્તિના તંત્રી બન્યા

અમેરિકાના ઓરેગન પ્રાન્તમાં તા. 25 માર્ચ, 1913ના રોજ ભારતીયોની એક ખૂબ જ વિશાળ સભાનું આયોજન થયું, જેના મુખ્ય વક્તા લાલા હરદયાલ હતા. લાલા હરદયાલે આ સભામાં ભાષણ આપતાં કહ્યું કે, “મારે એવા યુવાનોની જરૂર છે જેઓ ભારતની સ્વતંત્રતા માટે જીવ આપી શકે.” આ શબ્દો સાંભળીને સૌપ્રથમ કરતાર સિંહ સરાભાએ ઊઠીને પોતાની જાત સમર્પી દીધી.

તાળીઓના ગડગડાટ વચ્ચે લાલા હરદયાલ સરાભાને ભેટી પડ્યા. આ સભામાં ‘ગદર’ નામનું એક સમાચારપત્ર પ્રગટ કરવાનો નિર્ણય લેવાયો, જેનો હેતુ ભારતની સ્વતંત્રતાનો પ્રચાર કરવાનો હતો. તેને અનેક ભાષાઓમાં પ્રકાશિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું. સાથોસાથ, વિશ્વના દરેક દેશમાં, જ્યાં પણ ભારતવાસી રહેતા હતા ત્યાં આ પત્રિકા પહોંચાડવાનો નિર્ણય લેવાયો.

તા. 1 નવેમ્બર, 1913ના રોજ ‘ગદર’ સમાચારપત્રનો પ્રથમ અંક પ્રકાશિત થયો, જેની પંજાબી આવૃત્તિના સમ્પાદકનો કાર્યભાર કરતાર સિંહ સરાભાને સોંપાયો. ગદર પત્રિકા અંગ્રેજીમાં પ્રકાશિત થતી હતી, તથા તેનો અનુવાદ હિન્દી, ઉર્દૂ, પંજાબી તથા ગુજરાતીમાં કરવામાં આવતો હતો.

ચાર હજાર ભારતીયો સાથે બનાવી વિદ્રોહની યોજના

જ્યારે 1914માં પ્રથમ વિશ્વ યુદ્ધનો પ્રારંભ થયો, ત્યારે અંગ્રેજો યુદ્ધમાં ખરાબ રીતે ફસાયા હતા. આવા તબક્કે ‘ગદર પાર્ટી’ના કાર્યકરોએ ભારતને સ્વતંત્રતા અપાવવા માટે ભારતમાં વિદ્રોહ કરાવવાની યોજના ઘડી કાઢી.

અમેરિકામાં રહેતા 4 હજાર ભારતીયોએ તેમાં સહયોગ આપ્યો. આ ચાર હજાર ભારતીયો પોતાનું બધું જ વેચી-સાટીને દારૂગોળા અને પિસ્તોલોની ખરીદી કરી અને જહાજમાં બેસીને ભારત જવા નીકળી પડ્યા; પરંતુ ભારત પહોંચતાં પહેલાં જ તેમનો ભેદ ખૂલી ગયો અને અંગ્રેજ સિપાઈઓએ તેમને દારૂગોળા સાથે રસ્તામાં જ ભારતના દરિયાઈ કિનારે પહોંચતાં પહેલાં જ કેદમાં લઈ લીધા.

કરતાર સિંહ સરાભા પોતાના સાથીઓ સાથે યેનકેન પ્રકારેણ ત્યાંથી બચીને નીકળી ગયા અને પંજાબ પહોંચીને તેમણે ગુપ્ત રીતે વિદ્રોહની તૈયારીઓ શરૂ કરી દીધી. ભારતમાં વિપ્લવનું ઉંબાડિયું ચાંપીને આગ લગાવવાના હેતુથી તેમણે સુરેન્દ્રનાથ બેનરજી, રાસબિહારી બોઝ, શચીન્દ્રનાથ સાન્યાલ વગેરે ક્રાંતિકારીઓ સાથે મુલાકાત કરી. તેમના પ્રયત્નોથી જાલંધરના એક બગીચામાં એક બેઠક યોજાઈ, જેમાં પંજાબના તમામ ક્રાંતિકારીઓએ ભાગ લીધો. આ વખતે કરતાર સિંહ સરાભાની ઉંમર માત્ર 19 વર્ષની હતી.

લપાઈ-છુપાઈને ભાગી છૂટવાનું ન ગમ્યું

કરતાર સિંહ અને તમામ ક્રાંતિકારીઓએ સમગ્ર ભારતમાં ક્રાન્તિ માટે તા. 21 ફેબ્રુઆરી, 1915નો દિવસ નક્કી કર્યો, પણ તા. 16 ફેબ્રુઆરીના રોજ બ્રિટિશ સરકારને તેની ગંધ આવી ગઈ અને ચારે તરફ ધડાધડ ધરપકડો થવા લાગી. બંગાળ તથા પંજાબમાં ધરપકડોનો દોર ચાલ્યો. રાસબિહારી બોઝ કોઈ રીતે લાહોરથી વારાણસી થઈને કલકત્તા (હાલનું કોલકાતા) ચાલ્યા ગયા અને ત્યાંથી છૂપા નામે પાસપોર્ટ બનાવીને જાપાન ચાલ્યા ગયા. રાસબિહારી બોઝે લાહોર છોડતાં પહેલાં કરતાર સિંહ સરાભાને કાબુલ જવા માટે સલાહ આપી.

આથી કરતાર સિંહ પણ કાબુલ માટે રવાના થઈ ગયા, પણ જેવા તેઅ વઝીરાબાદ (હાલનું અફઘાનિસ્તાન)માં પહોંચ્યા કે તરત જ તેમના મનમાં વિચાર ઉદ્દભવ્યોઃ “આ રીતે લપાઈ-છૂપાઈને ભાગી છૂટવા કરતાં સારું તો એ છે કે, દેશ માટે ફાંસીના માંચડે ચડી જઉં અને જીવ આપી દઉં.” કરતાર સિંહ સરાભા કાબુલ ભાગી જવાના બદલે વઝીરાબાદની લશ્કરી છાવણીમાં ગચા અને તેમણે ફોજીઓ સમક્ષ ભાષણ આપતાં કહ્યું કે, “ભાઈઓ, અંગ્રેજો વિદેશી છે. આપણે તેમની વાત ન માનવી જોઈએ. આપણે એકબીજા સાથે મળીને અંગ્રેજ શાસનને સમાપ્ત કરી દેવું જોઈએ.” કરતારે બંદી થવા માટે જ આવું ભાષણ આપ્યું હતું, પરિણામે તેમને અંગ્રેજોએ બંદી બનાવી દીધા.

હસતા મોંઢે ફાંસીના માંચડે લટકી ગયા

કરતાર સિંહ સરાભા પર હત્યા, ધાડ, સરકાર પલટાવી નાખવાના કાવતરાના ગુનાઓ લગાવીને ‘લાહોર ષડયંત્ર’ નામનો કેસ ચલાવાયો. અન્ય 63 ક્રાંતિકારીઓ પર પણ તેમની સાથોસાથ કેસ ચલાવાયો. અદાલતમાં કરતારે પોતાનો ગુનો સ્વીકારતાં આ શબ્દો કહ્યાઃ “હું ભારતમાં ક્રાન્તિ લાવવાનો સમર્થક છું અને તે હેતુ પૂરો કરવા માટે અમેરિકાથી અહીં આવ્યો છું. જો મને મૃત્યુદંડ આપવામાં આવશે તો હું મારી જાતને સૌભાગ્યશાળી માનીશ, કેમ કે, પુનર્જન્મના સિદ્ધાંત અનુસાર મારો જન્મ ફરીથી ભારતમાં થશે અને હું માતૃભૂમિની સ્વતંત્રતા માટે કામ કરી શકીશ.”

તા. 16 નવેમ્બર, 1915ના રોજ કરતાર સિંહ સરાભા હસતા મોંઢે ફાંસીના માંચડે લટકી ગયા. જજે તેમના કેસનો ચુકાદો આપતાં કહ્યું હતુઃ “આ યુવાને અમેરિકાથી માંડીને હિન્દુસ્તાન સુધી અંગ્રેજ શાસનને ઉથલાવી મૂકવા માટે અણથક પ્રયાસ કર્યો છે. તેને જ્યારે અને જ્યાં પણ તક મળી ત્યાં તેણે અંગ્રેજોને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી છે. તેની ઉંમર ઘણી નાની છે, પણ અંગ્રેજ સત્તા માટે ભારે ભયાનક છે.” કરતાર સિંહની શહીદી અંગે તત્કાલીન મહાન ક્રાંતિકારી ભાઈ પરમાનન્દજીએ એમના જેલવાસના જીવનનું વર્ણન કરતાં લખ્યું છેઃ “

સરાભાને જેલકોઠડીમાં પણ હાથકડીઓ અને બેડીઓ પહેરાવી રાખવામાં આવતી હતી. તેમનાથી સિપાઈઓ ખૂબ ડરતા હતા. તેમને જ્યારે બહાર કાઢવામાં આવતા હતા ત્યારે સિપાઈઓની એક મોટી ટુકડી તેમની આગળ-પાછળ ચાલતી હતી. તેમના માથે મોત ભમતું હતું, પણ તેઓ હસમુખા જ રહેતા હતા. તેઓ ભારત માતાના એક એવા પુત્ર હતા જેમણે દેશની સ્વતંત્રતા માટે અસંખ્ય દુઃખો વેઠ્યાં અને એટલે સુધી કે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. આવા વીર સપૂતનું નામ ભારતીય સ્વતંત્રતા આંદોલનના ઇતિહાસમાં હંમેશાં સુવર્ણ અક્ષરોમાં અંકિત કરાશે.”

Read In Hindi : करतार, क़ाबुल और क़ुर्बानी : ‘छिप कर भागने से अच्छा है कि मैं फाँसी के फंदे पर चढ़ जाऊँ…’