‘60’નું ગુજરાત ‘સાઇઠ’નું : નરેન્દ્ર મોદીની 17 વર્ષ જૂની પરંપરા તૂટી…

0
570

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ‘હીરક જયંતી ‘ પર છવાયો કોરાનાનો કેર

CM મોદીએ ગુજરાતની સુવર્ણ જંયતીની ઝાકમઝાળ ઉજવણી કરી હતી

રિપોર્ટ : કન્હૈયા કોષ્ટી

અમદાવાદ (30-04-2020 ). ગુજરાત આજે મધ્ય રાત્રિએ પૂરા 60 વર્ષનું થઈ જશે. ભાષાકીય ગુજરાતી અસ્મિતાના અસ્તિત્વ માટે ગુજરાતે 4 વર્ષ સંઘર્ષ કર્યો. ઇંદુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં મહાગુજરાત આંદોલન ચાલ્યું હતું અને તે વખતની કેન્દ્રની નેહરૂ સરકારે બૃહન્મુંબઈ રાજ્યમાંથી 1 લી મે, 1960ના દિવસે બે રાજ્યોની સ્થાપના કરી હતી કે જેમાં એક ગુજરાતઅને બીજુ મહારાષ્ટ્ર હતું.

આ રીતે 60નું ગુજરાત સાઇઠનું થઈ રહ્યું છે. કોઈ પણ કાર્ય, કાર્યક્રમ કે સંસ્થા 60 વર્ષ પૂર્ણ કરે, ત્યારે તેને હીરક જયંતી (Diamond Jubilee) કહેવાય છે, પરંતુ આ વર્ષે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને પોતાની સ્થાપના 60 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે, ત્યારે બન્ને રાજ્યો પોતાના સ્થાપના દિવસી હીરક જયંતી એટલે કે 60 વર્ષનો ઉત્સવ ઉજવી નથી રહ્યા. તેની પાછળનું કારણ છે વિશ્વ આખામાં કોરોના વાયરસ (CORONA VIRUS)થી ફેલાયેલો કોવિડ 19 રોગચાળો (COVID 19) છે. કોવિડ 19ના સૌથી મોટા શિકાર કોઈ થયા હોય, તો તે મહારાષ્ટ્ર અને ત્યાર બાદ બીજા નંબરે ગુજરાત છે. કોરોના ચેપના લગભગ 10,000 વધુ અસરગ્રસ્ત અને 435 ના મોત સહિત મહારાષ્ટ્ર પહેલા સ્થાન ઉપર છે,તો 4100 કેસો સાથે 200 મોતના આંકડા સોથે ગુજરાત બીજા સ્થાન ઉપર છે. આવી સ્થિતિમાં આ બન્ને રાજ્યોમાં કોરોના જ્યારે કાળ બનીને ત્રાટક્યો છે, ત્યારે ઇતિહાસમાં સૌ પ્રથમ વાર કોરોના તથા લૉકડાઉન (LOCKDOWN) વચ્ચે આ બન્ને રાજ્યો પોતાનો ઐતિહાસિક સ્થાપના દિવસની ઉજવણી નથી કરી રહ્યાં.

મોદીના પરંપરા પર કોરોનાની બ્રેક

જ્યાં સુધી ગુજરાતનો પ્રશ્ન છે, તો ગુજરાતમાં 1 લી મે, 1960ના રોજ પ્રથમ સ્થાપના દિવસ ઉજવાયો હતો અને સંપૂર્ણ રાજ્યમાં ઉત્સવના માહોલ વચ્ચે અમદાવાદ ખાતે આવેલ સાબરમતી આશ્રમમાં જીવરાજ મહેતાએ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતાં. ત્યાર બાદ દરેક મુખ્યમંત્રીઓએ ગુજરાતના રાજકીય પાટનગર ગાંધીનગર તેમજ આર્થિક પાટનગર અમદાવાદ ખાતે દર વર્ષે 1લી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી.

જો કે કોઈ પણ મુખ્યમંત્રી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીઓને 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસ જેવી ખ્યાતિ નથી અપાવી શક્યાં, પરંતુ 2001 માં સત્તામાં આવેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાત ગૌરવની મહાગાથા સમાન આ દિવસની ઉજવણીને ખ્યાતનામ કરી અને દરેક વ્યકિત સુધી ગુજરાતના ગૌરવ, ગુજરાતના સંઘર્ષને પહોંચાડ્યો. મોદીએ વર્ષ 2003માં એવી જાહેરાત કરી કે ગુજરાતમાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ, 15 ઑગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ અને 1 મે ગુજરાત સ્થાપના દિવસ જેવા રાષ્ટ્રીય અને રાજ્યોત્સવ આર્થિક રાજધાની અમદાવાદની બહાર અને રાજકીય રાજધાની ગાંધીનગરની બહાર ઉજવવામાં આવશે.

આ નિર્ણયનુસાર ગુજરાતમાં પ્રથમ વાર 1 લી મે, 2003 ના રોજ રાજ્ય કક્ષાનો ગુજરાત સ્થાપના દિવસનો રાજ્ય કક્ષાનો ગુજરાત ગૌરવ દિવસ સમારોહ વડોદરા ખાતે આયોજિત થયો હતો. 2003 શરૂ કરવામાં આવેલી આ પરંપરા નરેન્દ્ર મોદી પછી આનંદીબહેન પટેલ અને હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ 2019 સુધી જાળવી રાખી, પરંતુ 2020 માં કોરોનાના કાળના કારણે મોદીની આ પરંપરા તૂટી ગઈ.

આખી ગુજરાત સરકાર હાલના સંજોગોમાં કોરોના સામે લડવા ઝઝૂમી રહી છે. જે ગુજરાત સ્થાપના દિવસ ઉજવણીના આયોજનની તૈયારીઓની શરુઆત ફેબ્રુઆરી – માર્ચથી થઈ જતી હતી, તેની આ વખતે કોઈ તક ન જ મળી. એવામાં ગુજરાતના 60 વર્ષની ઉજવણીનો મહત્તવ પૂર્ણ દિવસ સોશ્યલ મીડીયા (SOCIAL MEDIA)માં જ ઉજવાશે, તે સુનિશ્ચિત છે.

અહીં ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીના સમયમાં ગુજરાતની 50 વર્ષગાંઠ એટલે કે સુવર્ણ જયંતી નિમિત્તે ગાંધનીગરમાં બહુ મોટો ઉત્સવ આયોજીત થયો હતો. મોદીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું હતું કે જેમાં બધા જ હયાત ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ તથા વિધાનસભાના તમામ હયાત પૂર્વ ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું , પરંતુ કાળચક્રએ એવો દિવસ દેખાડ્યો છે કે જ્યાં આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસે સન્નાટો છવાઈ ગયો છે.

Read In Hindi : ‘60’ का गुजरात ‘साठ’ का : टूट गई नरेन्द्र मोदी की 17 साल पुरानी परंपरा….