દૂરદૃષ્ટા દૂરદર્શન : તો એ સિદ્ધ થઈ ગયું કે અશ્લીલતા-અભદ્રતા વિના પણ TRP વધારી શકાય…

0
714

ડિમાંડ અને આધુનિકતાના નામે ‘ભારત’ના ‘પૂરબ’ને ‘પશ્ચિમ’ કરી દીધું

‘રામાયણ’, ‘મહાભારત’ બાદ ‘કૃષ્ણ’એ પણ સંસ્કારોનો સિક્કો જમાવી દીધો !

સરકારી ચૅનલો DD NATION તથા DD BHARATIનાં ‘અચ્છે દિન’ પરત ફર્યા

રામાયણ’ના બીજા એપિસોડથી જાહેરખબરોનો ધોધ વરસવા લાગ્યો

કરોડો-અબજોની કમાણી કરતી ખાનગી મનોરંજન ચૅનલોમાં ઉદાસીનું મોજું

વિશેષ ટિપ્પણી : કન્હૈયા કોષ્ટી

અમદાવાદ (26 એપ્રિલ, 2020). હિન્દી ફિલ્મજગત (BOLLYWOOD)માં મહાન ભારત, ભારતીય સંસ્કૃતિ, ભારતીય જવાન અને ભારતીય કિસાનનું પ્રતિનિધિત્વ કરનારા મનોજ કુમારે 70ના દાયકામાં ‘પૂરબ ઔર પશ્ચિમ’ નામની ફિલ્મ બનાવી હતી. ફિલ્મના નામથી જ સહજ રીતે અનુમાન થઈ જાય કે મનોજ કુમારે ફિલ્મમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ સમક્ષ ભવ્ય ભારતીય સંસ્કૃતિની મહાનતાને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ‘પૂરબ ઔર પશ્ચિમ’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનારા મનોજ કુમારનું નામ પણ ‘ભારત’ હતું અને ફિલ્મમાં જ્યારે-જ્યારે ભારતનું નામ લેવાતું, ત્યારે-ત્યારે એમ જ લાગતું કે મનોજ કુમાર નહીં, પણ ભારતના સંદર્ભે જ સંવાદ બોલાઈ રહ્યા છે !

જોકે, બૉલીવુડમાં ભારતની મહાન પરંપરાઓ, પ્રાચીન ઋષિ-મુનિઓ, સંતો-મહાપુરુષોથી માંડીને અનેક સામાજિક વિષયો પર ફિલ્મો બનતી રહી, પરંતુ ‘પૂરબ ઔર પશ્ચિમ’ પછી જાણે કે મનોજ કુમાર અને ‘ભારત’ એક-બીજાના પર્યાય બની ગયા. સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ બાદ ભારતમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનો ચેપ તીવ્ર ગતિએ વધતો ગયો, જેને અટકાવવા માટે જ મનોજ કુમારે ‘પૂરબ ઔર પશ્ચિમ’ ફિલ્મ બનાવી હતી. ફિલ્મે સફળતાનાં શિખરો સર કર્યાં, પરંતુ મનોજ કુમાર સાંસ્કૃતિક ચેપ (સંક્રમણ)ને અટકાવવામાં નિષ્ફળ નીવડ્યા અને ધીમે-ધીમે હિન્દી ફિલ્મ જગતમાં આધુનિકતા તથા દર્શકોની માંગના નામે એવું બધું પિરસાવા લાગ્યું કે જેને ‘પૂરબ ઔર પશ્ચિમ’ ફિલ્મમાં નિષિદ્ધ દર્શાવાયું હતું.

 આમ તો, આજે મનોજ કુમારનો જન્મદિવસ નથી અને નથી ‘પૂરબ ઔર પશ્ચિમ’ ફિલ્મની પ્રસારણ તારીખ. એટલે આપણે સીધા જ વિષય ઉપર આવીએ. 80ના દાયકાથી બૉલીવુડની ફિલ્મોમાં આધુનિકતા અને માંગના નામે અભદ્રતા, અશ્લીલલા, ઉદ્ધતાઈ, નગ્નતા, અંગ-પ્રદર્શનનું એવું તાંડવ ખેલાવાનું શરું થયું કે સેંસર બોર્ડ પણ નિર્માતા-નિર્દેશકોના વર્ચસ્વ હેઠળ બધા પ્રકારનાં દ્રશ્યોને કોઈ સંકોચ વિના સ્વીકૃતિ આપવા લાગ્યું, પરંતુ ફિલ્મોની આ અસર તત્કાલીન સમયમાં દેશની એક માત્ર મનોરંજન ચૅનલ DOORDARSHAN (DD) પર ન પડી. DDએ ભારતીય સંસ્કૃતિની ગરિમા યથાવત્ રાખી અને 80-90ના દાયકામાં ‘બુનિયાદ’, ‘શ્રીમાન-શ્રીમતી’, ‘વિક્રમ-વૈતાલ’, ‘તમસ’, ‘હમ પાંચ’, ‘રજની’, ‘સત્યાન્વેષી વ્યોમકેશ બક્ષી’, ‘ગોદાન’, ‘ચાણક્ય’ જેવી ઉત્કૃષ્ટ શ્રેણીઓ (TV SERIALS)નો ક્રમ ચાલુ થયો અને પછી તો રામાનંદ સાગર-કૃત ‘રામાયણ’ (RAMAYAN) શ્રેણીએ દૂરદર્શન પર ભવ્ય ભારતની ગરિમા તથા ગૌરવનું મહિમાગાન કર્યું. ‘રામાયણ’ની વિક્રમજનક સફળતા બાદ તો ધાર્મિક શ્રેણીઓની જાણે કે પરંપરા શરૂ થઈ ગઈ અને મહાભારત (MAHABHARAT), કૃષ્ણા (KRISHNA) તથા પાશ્ચાત્ય સુપરહીરોની ભારતીય આવૃત્તિ ‘શક્તિમાન’ જેવી શ્રેણીઓએ પણ ખૂબ જ લોકપ્રિયતા અને પ્રશંસા મેળવી.

લોકડાઉને DDના બંધ દરવાજા તાળા ઉઘાડી દીધાં

90ના દાયકામાં અચાનક નાના પડદે વિદેશી અને દેશી ખાનગી ચૅનલોનું ધમાકેદાર પદાર્પણ થયું અને તેની સાથો-સાથ દૂરદર્શનના માઠાં દિવસો આવવા લાગ્યા. ખાનગી ચૅનલોએ ભારતીય દર્શકોની દૃષ્ટિમાંથી ભારતના આત્મા સમાન સંસ્કૃતિ અને ગ્રામ વિસ્તારોને નાના પરદા પરથી લુપ્ત કરી દીધાં. દર્શકો પહોળી આંખે જોતો રહી ગયો! ખાનગી ચૅનલોની શ્રેણીઓમાં વિશાળ મહેલો, હવેલીઓ, સાજ-શ્રૃંગાર ધરાવતી મહિલાઓ, સેક્સી યુવતીઓ, ઘરમાં કાન-ભંભેરણી અને અન્ય બાબતો આપ-આપીને આધુનિકતાનો અંચળો ઓઢેલી શ્રેણીઓએ દર્શકોના દિલો-દિમાગ પર કબ્જો મેળવી લીધો. દૂરદર્શન સરકારી માધ્યમ હોવાથી ખાનગીકરણના ઝંઝાવાતમાં પણ ટકી રહ્યું, પરંતુ ખાનગી ચૅનલોએ કદી વિચાર્યું પણ નહીં હોય અથવા કલ્પના પણ નહીં કરી હોય કે કદી એવો પણ વખત આવશે કે છેલ્લા શ્વાસ જેવી સ્થિતિમાં રહેલા દૂરદર્શનમાં અચાનક દોડતું થઈ જશે ! કોરોના (CORONA-COVID 19) રોગચાળા પર નિયંત્રણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત તા. 24મી માર્ચે સમગ્ર દેશમાં લૉકડાઉન (LOCKDOWN)ની જાહેરાત કરી અને તેની સાથો-સાથ દૂરદર્શનનું તંત્ર એટલે કે પ્રસાર ભારતી (PRASAR BHARATI) સક્રિય થઈ ગયું ! પ્રસાર ભારતીએ લૉકડાઉનમાં લોકોને ઘરોમાં રાખવા માટે સૌપ્રથમ સૌથી લોકપ્રિય શ્રેણી ‘રામાયણ’નું પુનઃપ્રસારણ શરૂ કરી દીધું ! તે પછી ‘મહાભારત’, ‘શક્તિમાન’, ‘ચાણક્ય’, ‘બુનિયાદ’ જેવી સફળ શ્રેણીઓ પણ નાના પડદે પાછી આવી ગઈ અને દૂરદર્શનની TRPમાં અનેકગણો ઉછાળો આવી ગયો.

દૂરદર્શન પર જાહેરખબરોનો વરસાદ, ખાનગી ચૅનલોમાં સન્નાટો

લૉકડાઉન દરમિયાન 80-90ના દાયકામાં લોકપ્રિય નીવડેલી શ્રેણીઓના પુનઃપ્રસારણનો ક્રમ ‘રામાયણ’થી શરૂ થયો. સૌને યાદ હશે કે પ્રથમ દિવસે ‘રામાયણ’ના એક સાથે ત્રણ-ત્રણ એપિસોડ કોઈ પણ જાતની જાહેરખબર વિના જ દર્શાવાયા હતાં, પરંતુ બીજા જ દિવસે ‘રામાયણ’ની વચ્ચે જાહેરખબરોનો ક્રમ શરૂ થઈ ગયો. ‘રામાયણ’ એકલી જ નહીં, પરંતુ દૂરદર્શન પર પ્રસારિત થતી લગભગ બધી જ શ્રેણીઓ પર જાહેરખબરોનો પ્રવાહ વણથંભ્યો જારી થયો. તેનું કારણ દૂરદર્શનની ટીઆરપીમાં આવેલો ઉછાળો હતું. જાહેરખબર આપતી કંપનીઓએ પણ સ્થિતિને જોઈ લીધી અને એ તમામ ચૅનલોને જડબાતોડ જવાબ આપી દીધો કે જે શૂટિંગ ન થઈ શકવાના કારણે અનેક વર્તમાન શ્રેણીઓના જૂના એપિસોડ દર્શાવી રહી હતી! તાજા જ એપિસોડના પુનઃપ્રસારણથી ખાનગી ચૅનલોની ટીઆરપીમાં ભારે ઘટાડો નોંધાયો અને દૂરદર્શનને 25-30 વર્ષ જૂની શ્રેણીઓના જૂના (નિહાળી ચૂકેલા) તથા નવા દર્શકો સરળતાથી મળી ગયા. આ કારણે દૂરદર્શનની બંને મનોરંજન ચૅનલો ડીડી નેશનલ (DD NATIONAL) અને ડીડી ભારતી (DD BHARATI) પર જાહેરખબરો તથા નાણાંનો વરસાદ થવા લાગ્યો ! બીજી તરફ, અબજો-કરોડો રૂપિયાની કમાણી કરનારી ખાનગી ચૅનલો પર સન્નાટો છવાઈ ગયો ! એવુંય નથી કે ખાનગી ચૅનલોએ અઢળક કમાણી માટે માત્ર આધુનિકતા અને નિમ્ન કક્ષાના કાર્યક્રમોનો જ સહારો લીધો. અંગત સ્વાર્થ માટે કેટલીક ખાનગી ચૅનલોએ ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવી શ્રેણીઓને આધુનિક અંદાજમાં જે રીતે રજૂ કરી, એને ભારતીય દર્શકો પચાવી ન શક્યા. આ વાતથી એ પણ સિદ્ધ થાય છે કે, આજે પણ લોકોને રામાનંદ સાગરની ‘રામાયણ’ અને બી.આર. ચોપરાની ‘મહાભારત’ જ ગમે છે.

દૂરદર્શને સાબિત કર્યું કે ‘પૂર્વ અંતે તો પૂર્વ જ છે’!

દૂરદર્શને રામાયણ, મહાભારત, ચાણક્ય, ઉપનિષદ્ ગંગા જેવા ભવ્ય ભારતની પ્રાચીન સંસ્કૃતિ, સંસ્કારો, ધર્મ, નીતિ, ન્યાય, આદર્શનું શુદ્ધ અને આડંબર રહિત જ્ઞાન આપનારી શ્રેણીઓને મળેલી સફળતાથી એ સાબિત કરી દીધું કે પૂર્વ (ભારત) અંતે પૂર્વ જ છે. બૉલીવુડની આધુનિકતા અને દર્શકોની માંગના બહાને અશ્લીલતા અને નિમ્ન કક્ષાનું સામગ્રી પિરસનારી ફિલ્મો તથા એનું જ અનુકરણ કરનારી ટીવી શ્રેણીઓના પાશ્ચાત્ય સાંસ્કૃતિક આક્રમણ છતાં પણ ભારતીય દર્શકો જો દૂરદર્શન પર પુનઃપ્રસારિત થનારી શ્રેણીઓને ટીઆરપી આપતા હોય, તો એનો સીધો અર્થ એ થાય છે કે આધુનિકતા અને દર્શકોની માંગના બહાને અશ્લીલતા, અભદ્રતા, નગ્નતા, અંગ પ્રદર્શન, પાશ્ચાત્ય સંસ્કૃતિને ઉત્તેજન આપનારા વિષય-વસ્તુ વિનાની ફિલ્મો અને શ્રેણીઓ પણ સારી એવી કમાણી કરી શકે અને ટીઆરપી આપી શકે છે. ડીડી નેશનલ અને ડીડી ભારતીની વ્યૂઅરશિપ મહત્ત્વના સ્લૉટમાં પ્રસારિત થનારી આ શ્રેણીઓ દરમિયાન અનેક ગણી વધી ચૂકી છે.

મોદીએ ડીડીના ભાથામાંથી અંતિમ બાણ ‘કૃષ્ણ’ પણ કાઢ્યું !

કહી શકાય કે દૂરદર્શન પર જૂની શ્રેણીઓના પુનઃપ્રસારણના આ પૂરા વિચારની પાછળ ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આધ્યાત્મિક વિચારધારા અને આધ્યાત્મિક ચિંતન જોડાયેલાં છે. મોદી આમ પણ સંન્યાસી સમ્રાટની જેમ શાસન ચલાવે છે. ન ઘર, ન પરિવાર. આખો દેશ જ ઘર અને પરિવાર. આ જ મોદીનું ચિંતન છે. આ જ મોદીની વિચારધારા છે. મોદીની વિચારધારામાં ‘વસુધૈવ કુટુમ્બકમ્’ સૌથી ઉપર છે કે જેનો સંબંધ કરોડો વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ સાથે છે. એ ભારતીય સંસ્કૃતિ કે જેમાં ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણથી માંડીને પ્રાચીન ઋષિ-મુનિઓ, મહાપુરુષો, ગરિમામય ભારત, ભવ્ય ભારત, વૈભવશાળી ભારતનો સમાવેશ થાય છે. આ જ કારણે જૂની શ્રેણીઓની યાદીમાં સર્વોચ્ચ અગ્રતાક્રમ ‘રામાયણ’ને આપવામાં આવ્યો. તો, બીજી પ્રાથમિકતા ‘મહાભારત’ને આપવામાં આવી. એટલું જ નહીં, મોદીએ ચાણક્યા તથા ઉપનિષદ્ ગંગા જેવી આધ્યાત્મિક શ્રેણીઓને પણ સ્થાન આપ્યું કે જેથી નવી પેઢીને આધુનિકતાની સાથે-સાથે પ્રાચીન છતાં અર્વાચીન ભવ્ય ભારતનાં મૂળ ચિંતન સાથે જોડી શકાય. આ મહાન પ્રયાસ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે દૂરદર્શનના ભાથામાંથી વધુ એક બાણ તરીકે રામાનંદ સાગરની જ શ્રેણી ‘કૃષ્ણા’ કાઢી કે જેના પ્રસારણની તારીખ હજી જાહેર થવાની બાકી છે. ધાર્મિક જ નહીં, પણ અન્ય સામાજિક શ્રેણીઓ પણ આ જ મહાન ભારતીય સંસ્કૃતિની વાહક છે કે જેમનું પુન: પ્રસારણ કરાઈ રહ્યું છે.

Read In Hindi : दीर्घदृष्टा दूरदर्शन : तो यह सिद्ध हो गया कि अश्लीलता-अभद्रता के बिना भी TRP बढ़ाई जा सकती है…