‘પરધર્મો ભયાવહ:’ : જો સાંભળ્યો હોત ‘GOVIND’નો ઉદ્ઘોષ, તો ન બન્યાં હોત ‘COVID’નો ભોગ !

0
1001


આલેખ : કવિ પ્રકાશ ‘જલાલ’

અમદાવાદ. ગુજરાતીમાં કહેવતોનો ખજાનો પડેલો છે. એક કહેવતમાં કહેવાયું છે, ‘પારકે ભાણે મોટો લાડુ’. આ કહેવત એટલા માટે યાદ આવી, કારણ કે સામાન્ય રીતે માણસને પોતાનું જે પણ હોય, એ જરાક ઓછું ગમતું હોય છે. આ વૃત્તિના કારણએ ક્યારેક-ક્યારેક તો માણસને પોતાના કરતાં બીજાનાં છોકરાં વધુ વહાલાં લાગતાં હોય છે. માણસ ક્યારેક અન્યનાં છોકરાં સાથે પોતાનાં સંતાનોની સરખામણી પણ કરતો હોય છે, ‘ફલાણાનો છોકરો જો, પહેલો નંબર લાવ્યો !’ અથવા ‘પેલી છોકરી જો, આખી સ્કૂલમાં ફર્સ્ટ આવી !’ વગેરે વગેરે. માણસ સદૈવ અન્યની ચીજ-વસ્તુઓની સરખામણી પોતાની ચીજ-વસ્તુઓ સાથે કરતો હોય છે, પરંતુ ‘શ્રીમદ્ ભગવત ગીતાજી’માં ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટપણે કહે છે, ‘પોતાનું જે પણ છે, તે શ્રેષ્ઠ માનો.’ હા, પોતાનું જ શ્રેષ્ઠ માનવાનો અર્થ અભિમાન કે મિથ્યાભિમાન નથી, એ પણ સ્પષ્ટ છે.

હવે ‘શિવામ્બુ’ નામે જાણીતી સ્વમૂત્ર ચિકિત્સાનું નામ લગભગ બધાએ સાંભળ્યું હશે. કદાચ આધુનિક પેઢી નહીં પણ જાણતી હોય, પરંતુ જૂની કે નવી પેઢીઓના જે લોકો ‘શિવામ્બુ’ વિશે જાણે છે, તેઓ સાધારણ રીતે તો તેનું નામ પડતાં જ નાકનું ટેરવું ચડાવી દેતા હોય છે ! લોકોને આવી બાબતોની ચર્ચા જિજ્ઞાસાપ્રેરક લાગે છે અને તે સ્વાભાવિક પણ છે, પરંતુ ‘શ્રીમદ્ ભગવત ગીતાજી’ને સમજીએ તો લાગે કે પોતાનું ઉત્તમ ગણવું અને પોતાનું કદી વખોડવું નહીં. પોતાની સંસ્કૃતિ પણ મહાન જ ગણવી. ‘શિવામ્બુ’ની જ વાત કરીએ તો, મૂત્રની (દુ:)ગંધ કોને ગમે ? બધા એનાથી દૂર ભાગે છે. લોકો સ્વચ્છતાનો જ આગ્રહ રાખતા હોય છે. લોકો પોતાનું આંગણું સ્વચ્છ રાખે છે. ગંદકી કોઈને ગમતી નથી. એમાંય પેશાબની દુર્ગંધ તો સ્વપ્નમાંય સહન ન થાય, એ કક્ષાની હોય છે. રહેઠાણ અને નિવાસસ્થાન સ્વચ્છ રાખવાનું સૌનું વલણ હોય છે, પણ આપણાં શાસ્ત્રોએ પોકારી-પોકારીને ક્હ્યું છે અને પછી વિજ્ઞાને પણ સિદ્ધ કર્યું છે કે ‘શિવામ્બુ’ પીનારો માણસ લાંબું અને સ્વસ્થ જીવન જીવે છે. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ તો ‘શિવામ્બુ’ને ખૂબ જ મહત્ત્વ આપતા હતા ! કદાચ ‘શિવામ્બુ’નો પોતાની દિનચર્યામાં સમાવેશ કરવાના કારણે જ મોરારજીભાઈ 99 વર્ષ જેટલું લાંબુ આયુષ્ય ભોગવી શક્યાં.

જોકે અહીં વાત ‘શિવામ્બુ’ની નથી. વાત વર્તમાન કાળની અને આખાય વિશ્વમાં કાળ બનીને તાંડવ કરી રહેલા CORONA (COVID 19) વાઇરસની કરવી છે. વાત એ કરવી છે કે અત્યાર સુધી (કોરોના સંકટ પહેલા સુધી) લોકો સ્વચ્છતા માટે એટલો બધો આગ્રહ રાખતા નહોતા. લોકો જમતાં પહેલાં હાથ ધોવાનું પણ ક્યારેક-ક્યારેક તો ટાળતા હતા. મોટાભાગના લોકો કદાચ આ વાતને પોતાની દિનચર્યામાં સામેલ જ નહોતા કરતા કે જમતા પહેલા હાથ ખાસ ધોવા જ જોઇએ. કેટલાક તો ચાલુ પ્રવાસે ગમે તેવી ગંદકીમાં પણ જમતા હતા, પણ હવે કુદરતે જ વ્યવસ્થા કરી દીધી કે દરેકે પોતાના હાથ-પગ સ્વચ્છ રાખવા અને હવે તો સરકારે પણ કહી દીધું, ‘સાબુ વડે હાથ ધુઓ’.

સ્વધર્મ જ સર્વશ્રેષ્ઠ સુરક્ષા કવચ

આપના મનમાં પ્રશ્ન થતો હશે કે આ બધી કથા-વાર્તામાં, તેમાં પણ કોરોના વાઇરસની બાબતમાં શ્રીમદ્‌ ભગવતની વાત ક્યાં આવી ? જી હા. હું એ જ વિષય પર આવી રહ્યો છું. ‘શ્રીમદ્ ભગવત ગીતાજી’માં શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને સંબોધી એક સુંદર શ્લોક કહે છે :

શ્રેયાન્સ્વધર્મો વિગુણ: પરધર્માત્સ્વનુષ્ઠિતાત્ ।
સ્વધર્મે નિધનં શ્રેય, પરધર્મો ભયાવહ: ।।35।।

અર્થાત્

‘સુંદર પ્રકારે આચરણમાં લાવવામાં આવેલ બીજાના ધર્મ કરતા ગુણ રહિત પણ આપણો ધર્મ અતિ ઉત્તમ છે. પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારક છે અને બીજાનો ધર્મ ભય આપનારો હોય છે.’
(સ્પષ્ટીકરણ : અહીં ધર્મનો અર્થ હિન્દૂ-મુસ્લિમ જેવા વિવિધ ધર્મો, પંથો કે વાડાઓ જેટલો સીમિત નથી. અહીં ધર્મોનો અર્થ સ્વ-ધર્મ, પોતાનો ધર્મ, પોતાના આત્માનો ધર્મ છે)

એક જમાનો હતો કે લોકો પરદેશ જવાનો વિચાર પણ નહોતા કરતા. પરદેશગમન પાપ ગણાતું. લોકો સ્વચ્છ હવા-પાણીનો આગ્રહ રાખતા, પરંતુ પછી વિદેશી વાયરા વાયા એટલે લોકો સ્વેચ્છાચાર (સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા)માં પડ્યા અને પરદેશ તો ગયા જ, પણ ત્યાંની રહેણી-કરણી અને ત્યાનું ખાન-પાન પણ અહીં લેતા આવ્યા ! અહીં (આપણા દેશમાં) જ્યાં લીમડાનો મીઠો છાંયડો લહેરાતો હતો, ત્યાં એ.સી. આવી ગયાં. ભોજન બાદ જ્યાં સ્વાસ્થ્ય-વર્ધક મુખવાસની પરંપરાઓ હતી, ત્યાં સિગારેટ, બીડી, તમાકુ-પાન-મસાલા પ્રચલનમાં આવ્યાં અને લોકો તેના બંધાણી થઈ ગયાં. જોકે આનો અર્થ એવો પણ નથી કે નવીનતા કે આધુનિકતાને આવકારવી નહીં. હા, ચોક્કસ નવીનતા અને આધુનિકતાને આવકારવી જોઇએ, પણ પોતાની સંસ્કૃતિના ભોગે ? આ પ્રશ્નનો ઉત્તર ચોક્કસ ‘ના’ છે, પરંતુ થયું તો એવું જ છે કે આપણે આપણી સંસ્કૃતિના ભોગે આધુનિક વિજ્ઞાનનો અંગીકાર કર્યો છે. કહેવાય છે કે કોઈ પણ રાષ્ટ્રનો નાશ કરવો હોય, તો સૌપ્રથમ તેની સંસ્કૃતિ નષ્ટ કરી દેવાય. કંઇક આવું જ આપણા દેશ સાથે થઈ રહ્યું છે અને એના કારણે જ આપણા પૂર્વજો જે સતત સ્વચ્છાગ્રહી હતા, પરંતુ એમના વંશજો તરીકે આપણે સ્વેચ્છાગ્રહી બની ગયા તેમજ સ્વચ્છતા સહિતના માપદંડોથી દૂર થતા ગયાં.

‘કોવિડ કીલિંગ ક્રીડા’ ઉપર ભારે ‘ગોવિંદ હીલિંગ લીલા’

એટલે જ કોરોનાની વિકરાળતા બાદ હજી પણ ઘણા લોકો જાહેરમાં મોઢું-નાક વગેરે સાફ કરવાનું વલણ રાખે છે. કેટલાક લોકો તો બસ સ્ટેશનો અને રેલવે સ્ટેશનોને પોતાનાં નાક-મોઢાને સાફ કરવાનાં જાહેર સ્થળો કે અડ્ડાઓ જ માને છે ! એવા લોકોને એટલી પણ સભાનતા કે ચિંતા નથી હોતા કે બાજુમાં બેઠેલા માણસના નાકમાં એ બધું સીધે-સીધું પ્રવેશે છે. લોકો જાહેરમાં ગમે ત્યાં થૂંકે છે. ઘણી વાર તો પગ ક્યાં મૂકવો, એ પણ વિચાર કરવો પડે, એવી સ્થિતિ હોય છે. સરકારના સારાં પ્રયત્નોથી ગ્રામીણ વિસ્તારોમાં પણ શૌચાલયો બનવા લાગ્યાં છે, તેથી સ્થિતિ થોડીક અંકુશમાં આવી છે, પણ પૂરેપૂરી નિયંત્રણમાં નથી. આ તમામ બાબતોનો અર્થ એટલો જ થાય છે કે આપણે ‘પરમ્ ધર્મ’ને સમજ્યા જ નહીં, એટલે જ કોરોના વાઇરસ ફૂલ્યો ફાલ્યો ! અરે, કોરોના તો આવે કે ન આવે, પણ લોકો જાહેર સ્વચ્છતા ન રાખે, તો સામાન્ય માણસ બીમાર તો પડવાનો જ છે અને આ મોંઘવારીમાં બીમારી કોને પરવડે? ‘શ્રીમદ્ ભગવત ગીતાજી’માં અપાયેલા બોધપાઠ પ્રમાણે જો માણસો બીજાનું અનુકરણ ન કરે, દેખા-દેખીથી દૂર રહે, તો કોરોનાની તે શી તાકાત ? પણ લોકો ખાન-પાનમાં અને અન્યોની જીવનશૈલી જોઈ બેફામ, નિરંકુશ અને અનિયંત્રિત બન્યા છે. એટલુ જ નહીં, હજી આટલા મોટા સંકટમાંથી પસાર થતા હોવા છતાં લોકોએ જાહેર સ્વચ્છતાને હમણાં સુધી, આજ સુધી નકારી છે. હવે લોકો રહી રહીને સ્વચ્છતા તરફ જાગૃત બન્યા છે. હજી ઘણા લોકો “સ્વધર્મે નિધનં શ્રેય, પરધર્મો ભયાવહ:” શ્લોકને માત્ર ધર્મ સાથે જાડે છે અને તેને સંકુચિત બનાવી દે છે. ધર્મ ગમે તે હોય, પણ સ્થળ-કાળ અને સંસ્કૃતિની વિરુદ્ધનું જીવન હમેશાં દોહ્યલું બની રહેતું હોય છે, એ વાત ‘શ્રીમદ્ ભગવત ગીતાજી’ પોકારીને કહે છે, તે સમજવાની જરૂર છે.

જ્યારે પડ્યો કોવિડનો પડછાયો, ત્યારે યાદ આવ્ય તુલસીનો રોપો

આપણે કોરોના મહામારીને કે રોગચાળાને એ અર્થમાં સારો ગણાવવાનો પ્રયત્ન નથી કરી રહ્યાં કે આનાથી લોકોમાં સ્વચ્છાગ્રહી બનવાની જાગૃતિ આવી છે, બલ્કે આપણે આ સ્વચ્છતા કાયમ માટે અપનાવવી પડશે, પરંતુ આ કોરોના સંકટ કદાચ કુદરતી સંકેત પણ હોઈ શકે. એ પણ એક વિચાર છે. ખાનપાન અને જીવન-પદ્ધતિની તો આજે દશા બેઠી છે. લોકો બહારનું ખાય છે અને શૌચાલય માટે ઘરમાં આવે છે. વાત ગંદી લાગે, પણ હકીકત છે. મને સુતરાઉ કપડાં જ માફક આવે છે, તો મારી બીજાં શા માટે પહેરવાં ? અને શાકાહારમાં પૂરતાં તત્વો મળતાં હોય તો માંસાહાર કરવો ? હા, તબીબે જ કહ્યું હોય તો અલગ વાત છે, પણ એવું તો બિલકુલ નથી કે માંસાહારમાં જ પોષક તત્વો છે અને ગાયનાં ઘી-દૂધમાં અથવા વનસ્પતિમાં નથી. કોરોનાના ઉદ્ભવ સ્થળ ચીનમાં લોકોનું ખાનપાન કેવું છે ? એ વિચિત્રતામાં આપણે પડતા નથી, આમ છતાં એટલું કહી શકાય કે આપણે જો ચીન મુજબ જીવીએ, તો આપણું પણ પતન નક્કી છે. આપણે ત્યાં યુગો-યુગોથી તુલસીના છોડની પૂજા થાય છે, સૂર્ય નારાયણની પૂજા થાય છે, સવારે વહેલા ઊઠવાનો મહિમા છે. આ તો બધું યુગો-યુગોથી ચાલ્યું આવે છે, આજે નવું નથી. નવું તો એ છે કે આને અંધશ્રદ્ધા કે પૌરાણિક માન્યતાઓ કહીને એની નિંદા થાય છે. આ કોરોના સંકટ બાદ તાજેતરમાં જ એક ભાઈ મને તુલસીના છોડની વાત પૂછતા હતા. એમને તુલસીનો છોડ જાઈતો હતો. મેં એ ભાઈને સહજતાથી પૂછ્યું, “તમે તો ભારતીય સંસ્કૃતિના સદંતર વિરોધી છો અને આ રીતે તુલસી, સૂર્યપૂજા, હોળાષ્ટક અને બીજું ઘણું બધું માનતા નથી. તો અચાનક કેમ તુલસીની જરૂર પડી ?”. એ ભાઈ બોલ્યા, “યાર, તુલસી જ એક એવી વનસ્પતિ છે જે તમામ રોગોને ભગાવી દે છે!” જોકે મેં એમને રસ્તો તો બતાવી દીધો અને તેઓ તુલસીનો છોડ લઈ પણ આવ્યા, પણ મને એ ભાઈએ બે વર્ષ અગાઉ કહેલી વાત અચાનક સાંભરી આવી. એ ભાઈએ મને બે વર્ષ પહેલાં જ કહ્યું હતું, “તુલસી જેવી સાધારણ વનસ્પતિથી રોગ મટી જતા હોય, તો લોકો દવાખાને શું કામ જાય? શા માટે તમે આવી અંધશ્રદ્ધા ફેલાવો છો !” મેં એમને બે વર્ષ પહેલા એ જ સમયે તમામ બાબતોની વૈજ્ઞાનિકતા સમજાવી હતી, પણ તેઓ માનવા તૈયાર નહોતા. છેવટે જ્યારે કોરોના વાઇરસ આવ્યો ત્યારે મને પૂછવા આવ્યા કે ક્યાંકથી સારો તુલસીનો છોડ મેળવી આપોને !

કોવિડે પુન: મહાન સિદ્ધ કર્યો ‘ગોવિંદ’નો મહિમા

કહેવાનો અર્થ એ કે, હવે લોકો સમજવા માંડ્યા છે, અને આપોઆપ ભારતીય જીવન-પદ્ધતિનો આવકાર કરવા લાગ્યા છે. હાથ મિલાવવા કે ભેટવાના બદલે હવે લોકો નમસ્કાર કે નમસ્તેથી કામ ચલાવે છે, એ જેવીતેવી સ્થિતિ ન કહેવાય! માણસ માટે પોતાની ગંધ-સુગંધ-દુર્ગંધ કશું જ નકામું નથી, પણ બીજાનું સો ટકા નકામું છે. આજે તબીબી વિજ્ઞાનમાં માણસ સર્જરી કરાવે છે, ત્યારે ડાક્ટરો એ જ દર્દીની ચામડી એને ચોંટાડી આપે છે! હા, હૃદય અને કીડની વગેરે અન્ય અંગો જ્યારે નકામાં બની જાય, ત્યારે કોઈ દાતાનાં અંગ લેવાં પડે એ સ્વીકારવું રહ્યું. પણ મોટાભાગે તો કુદરતની વ્યવસ્થા જ એવી છે કે, માણસ પોતાનામાં જ જીવી શકે છે. ખોરાક ન લેનાર માણસનું શરીર અંદરથી જ ખોરાક લઈ લે છે, અને ટકી રહે છે.

આપણે ઇચ્છીએ કે સમગ્ર વિશ્વ આપણી પ્રાચીન ભવ્ય ભારતીય સંસ્કૃતિ આધારિત જીવન-પદ્ધતિને સ્વીકારે અને સારું સાત્વિક જીવન જીવે. જીવ-હિંસા અટકાવે, ઓછી કરે અને કવિ શ્રી ઉમાશંકર જાશી કહે છે, તેમ અન્ય જીવોના અસ્તિત્વનો પણ સ્વીકાર કરે. ભારત જો વિશ્વસત્તા બનવાનું હોય તો એનું એક કારણ ભવ્ય ભારતની ભવ્ય સંસ્કૃતિ આધારિત શ્રેષ્ઠ જીવન-પદ્ધતિ પણ છે. ઈશ્વર સૌને સદ્દબુદ્ધિ આપે.

(વિશેષ નોંધ : આ લેખ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પ્રકાશિત થતાં ગુજરાતી દૈનિક ‘ગાંધીનગર સમાચાર’ના 25 માર્ચ, 2020ના અંકમાં પ્રસિદ્ધ થઈ ચુક્યો છે.)

Read In Hindi : ‘परधर्मो भयावह:’ : जो सुना होता ‘GOVIND’ का उद्घोष, तो नहीं बनते हम ‘COVID’ का भोग