કોરોના જેવો ‘જીવલેણ જીવ’ પણ આ રીતે આપી રહ્યો જીવન જીવવાનો સંદેશ

0
644

આલેખ : દર્શન માંકડ

અમદાવાદ (5 મે,2020). વિશ્વ આખું જીવનના વધુ એક પડકારની સામે ઝઝુમી રહ્યો છે, ત્યારે ફક્ત એક જ બાબત વારંવાર નોંધનીય બની છે. એ બાબત છે ફકતને ફક્ત જાગૃતિનો આભાવ. બીજી રીતે કહીએ તો જીવન જીવવાની જાગૃતિનો અભાવ. એક નાના ઉદાહરણ સાથે વાતને આગળ વધારીએ, તો આપણા ઘરમાં નાનું બાળક જન્મ લે, ત્યાર બાદ તેની સંભાળ તેને લગતી બાબતો સાથે ન લેવાય, તો તેની માખી છીકી જાય એટલે કે તે તમારા કાબૂમાં ન રહે અને તમારી પાસે અપેક્ષા નહીં રાખે. ટૂંકમાં એ બાબત એ બાળક તમારી પાસે નહી કરાવે. જો તેને ખ્યાલ આવી જશે કે પપ્પા ચૉકલેટ નહી અપાવે, તો પછી તે ક્યારેય પપ્પા પાસે ચૉકલેટ નહી માંગે અને તે અન્ય રસ્તો અપનાવી લેશે. ટૂંકમાં એક નાનકડું બાળક પણ જાગૃતિને લઈને સંપૂર્ણ જાગૃતિ ધરાવે છે.

ઉપરોકત બાબતને રજૂ કરવી જરૂરી હતી. સરળતાથી અને સહજતાથી સમજવી પણ તેટલી જ જરૂરી હતી, કારણ કે હાલમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ (CORONA VIRUS)એ કોવિડ 19 (COVID 19) નામનો રોગચાળો ફેલાવ્ય. છે અને હજારો લોકોને પોતાનો ભાગ બનાવી રહ્યો છે. વાયરસ, આ કંઇ આપણે પહેલી વાર સાંભળેલો શબ્દ નથી. તેમ છતાં આટલી આંધાધુંધી ફેલાઈ, તેનું કારણ  જાગૃતિનો મસમોટો અભાવ છે. એવું સાંભળેલું છે કે વિદેશમાં માનવી મૂલ્યો બહુ સરસ રીતે કામગીરી કરે એટલે કે રસ્તે ચાલતી વ્યકિત પડી – આખડી જાય, તો તેને તાત્કાલિક સ્થળ ઉપર હયાત સરકારી અમલદારો સહાયરૂપ નિવડે અને એવું પણ નોંધનીય છે કે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તો તમામ ખર્ચ સરકાર તેની યોગ્ય તપાસ કરી ભોગવે. હવે, આવી સુંદર મજાની વ્યવસ્થાઓ હોય, તો કોરોના જેવી મહામારી સામે અમેરિકા સહિતના વિદેશીઓ ક્યાં અને કેમ અટવાણાં ?

જીવનમાં દરેક તબક્કે અસંખ્ય એવા વિષયો છે કે જે માત્ર તમને પોતાનામાંથી કંઇક શીખવવા કે સમજાવવા આવ્યા હોય છે. તેનો સહજતાથી સ્વીકાર જ્યારે નથી થતો, ત્યારે એ આફત સ્વરૂપે આપણી સમક્ષ ઉદ્ભવે છે. આવા સંજોગોમાં સતત જાગૃતિમાં રહેવું આવશ્યક થઈ જતું હોય છે.

સતત ભૌતિકતાની હોડમાં જાતને મૂકી હંકારે રાખવી તે જીવન છે ? સ્વયંના સત્યનો માપદંડ કાઢવાની જરૂરી નથી ? જે પ્રકૃતિમાંથી આપણે એક જીવ લઈને અવરતર્યા, તે પ્રકૃતિને આપણે શું પ્રદાન કર્યું, શું પરત કર્યું, શું વળતર આપ્યું ?એ અંગે પણ આપણી જાગૃતિનો આભાવ છે અને આ પ્રકારના અભાવ આપણને કુદરતી આફતો વહોરવા મજબૂર કરે છે, પરંતુ દુ:ખની વાત એવી છે કે આવી આફતોથી બોધપાઠ લીધા વગર જીવ ફરી પાછો વધુને વધુ ભૌતિકતામાં પ્રસ્થાપિત થઈ જાય છે.

જીવ. આ શબ્દ બહું વાંચ્યું હશે તાજેતરના દિવસોમાં. કોરોના વાયરસ અંગે પણ આ જીવ શબ્દ વપરાયો છે, જેમ કે કોરોના વાયરસ લોખંડ ઉપર આટલા સમય સુધી ને પ્લાસ્ટિક ઉપર આટલા સમય સુધી લાઇવ રહે છે વગેરે. તો તેનો મતલબ એમ જ થયો ને કે વાયરસ એટલે જીવ. હવે હું આપને વિષયની શરુઆતમાં લઈ જાઉં, તો આપણે ઉપર જે બાળકની વાત કરી હતી એ યાદ છે ને ? કોઈ પણ પ્રકારનો જીવ હોય, તેનામાં એક ચોક્કસ પ્રકારની કામગીરી હોય છે અને તે જીવ તે પ્રકારે કામ કરવા આવેલો હોય છે. વિશેષકર દરેક જીવને લાગણીઓ-ભાવનાઓ અને શકિત પ્રદાન થયેલી જ હોય છે. એટલે જે લાગણીઓ-ભાવનાઓ અને શકિત, સમજણ આપણામાં છે, તે એ જીવમાં પણ ઓછા વત્તા અંશે હોય જ.

વાત જો કોરોના વાયરસ નામના જીવની કરીએ, તો ત્રણ પ્રકારે કોરોના મહામારી ઉદ્ભવી હોય, એવા કારણો છે. જેમાં યોગ્ય ખોરાક ન ખાવાથી, જૈવિક શસ્ત્રો તરીકે યોગ્ય સદુપયોગ ન થવાથી અને કુદરતી આફત હોઈ શકે. ઉપરોકત ત્રણેય કારણોમાં અત્યાર સુધી જે જાગૃતિના આભાવની વાત કરી હતી, તે જાગૃતિનો આભાવ અહિંયા એપીક સેંટર (ઉત્પત્તિ કેન્દ્ર) તરીકે દેખાઈ રહ્યો છે.

શું ખાવું ? અને શું ન ખાવું ? એ અંગેની જાગૃતિનો મોટો આભાવ હોય, તો કોઈ પણ જીવનું ભવિષ્ય નિશ્ચિત ન કહી શકાય. એમાં પણ જો લોકો ખાવામાં તામસિક ભોજન લેતા હોય, તો તેના પરિણામ અને તેનાથી ઉત્પન્ન રોગનો ઇલાજ અસાધ્ય છે અને આજની આંતરિક આધ્યાત્મિકતાથી વિપરીત બાહ્ય ભૌતિકતાપૂર્ણ જીવનમાં જીવનના બહુમૂલ્યોને નેવે મુકવાની વાત જ આ કોરોના જેવા સંકટને આમંત્રણ આપનારી સિદ્ધ થતી હોય છે.

જૈવિકશસ્ત્ર. હા, આ પણ એક ભૌતિકતાનો ભાગ થઇ ચુક્યુ છે અને બધા જ દેશો એક-બીજાથી આગળ વધવાની હરિફાઇમાં શું કરી રહ્યું છે તેની તેમને પોતાને જ ખબર નથી રહી, ત્યાં વાયરસ નામના જીવનો શું ઉછેર કે સારસંભાળ કરવાના ? અને મહત્તમ દેશો માટે આ હરિફાઇ નથી, માત્ર ડર છે અને ત્રીજું કારણ કુદરતી આફત, એક જીવને ખાવામાં, લડાવવામાં કેટલી માત્રામાં ઉપયોગ કરવો, તેનો જ્યારે ખ્યાલ નથી રહેતો, તો તે ચોક્કસપણે પોતાના અસલ સ્વરૂપમાં આવી, તેનો પરચો બતાવી દે છે. અહીંયા ત્રણેય તબક્કામાં જાગૃતિના આભાવને જ નોંધવામાં આવી રહ્યો છે. જીવન જીવવાની જાગૃતિના આ જ સતત આભાવે સમગ્ર વિશ્વને આજે બાનમાં લીધું છે.

અચ્છા, અહીંયાથી વાત અટકતી નથી અને આ અબોલ જીવ ઘડીના છઠ્ઠા ભાગમાં એવી રીતે પ્રસરતો હતો, તેની કોઈને જાણ હતી કે ન હતી, એ કહેવું મુશ્કેલ છે, પણ જાગૃતિનો અભાવ ચારેકોર ફેલાયો અને વિદેશમાં લોકોએ પરસ્પર પશ્ચિમી સંસ્કૃતિને ભૂલી ‘નમસ્તે’ની ભારતીય સંસ્કૃતિને આપનાવી લીધી અને ભારતીયો હરખઘેલા થઈ ગયા, પણ હવે પડકાર છે ખરો કે લૉકડાઉન (LOCKDOWN)માંથી બહાર નીકળી કેટલા નરબંકાઓ હાથ જોડીને નમસ્તેની પ્રણાલીને આગળ વધારશે ?

બીજી બાજુ સતત હરીફાઈમાં રહેવાની કુટેવ ધરાવતાં ભૌતિકવાદી દેશો એક-બીજા ઉપર આરોપ – પ્રત્યારોપ મૂકવા મંડ્યા, પરંતુ એક પણ નિષ્ણાંત તેની મક્કમ કામગીરી સુધી પહોંચ્યા હોય, તેવું બન્યું નથી. હા. ચોક્ક્સપણે થોડાક ઘણાં અંશે કેટલીક સફળતાઓને આંશિક રૂપ ગણીએ, તો પણ સ્થિતિ જેમની તેમ છે. જો કે ભારતને અહીંયા અલગ રીતે જોવાઈ રહ્યું છે, જેનો શ્રેય ફક્ત લૉકડાઉનની જાહેરાતના ત્વરિત અમલને આધીન છે, એવું લોકોનું માનવું છે અને તે નકારી પણ શકાય તેમ નથી.

સૌ પ્રથમ ભારતમાં એક દિવસીય જનતા કફ્યુનું એલાન થયું ને તેમાં લોકોની માનસિકતા મુજબ એક દિવસ ધરમાં રહીને જંગ જીતી ગયા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. ત્યાર બાદ આપણી સંસ્કૃતિ મુજબ સાંજે પ વાગે ધ્વનિ ઉપચારના માધ્યમને અપનાવાયો કે જેને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો, પરંતુ ના થવાનું પણ થયું અને ફરી એક વાર જાગૃતિનો અભાવ નજરે ચઢયો, જ્યારે અમદાવાદમાં કેટલાક લોકો સોશિયલ ડિસ્ટંસિંગનો ભંગ કરી ટોળે-ટોળા રોડ પર ઉતરી આવ્યા.

ત્યાર બાદ પ્રથમ લૉકડાઉનનો વારો આવ્યો અને આ શબ્દ વિદેશથી આવ્યો હોય લૉકડાઉનની વ્યાખ્યા સમજતાં-સમજાવતાં અઠવાડિયું – દસ દિવસ નિકળી ગયાં અને આ દિવસોમાં કંઇક સારાં – નરસાં સમાચારો આવતા રહ્યા. ક્યાંક પોલીસ કર્મચારીઓની માનવતા, ક્યાંક ફરજ ઉપરના ડૉકટર અને નર્સની પ્રશંસનીય કામગીરી, ઠેર ઠેર સમાજસેવી સંસ્થાઓની સહાય, પરંતુ આ બધું જ ચાલતું હતું અને હજી પણ અવિરત છે, તેવા સંજોગોમાં અન્ય રાજ્યોમાં ફસાયેલા કારીગરો , રોજમદારો, મજૂરોને રોગનો ફેલાવો વધુ પ્રસરે નહિ, તેની તકેદારીના પગલે જે જ્યાં હોય ત્યાં જ રોકી દેવાયા અને એક ઘર્ષણના કિસ્સાઓ બહાર આવવા લાગ્યા.

વાત છે લૉકડાઉનની, પણ આ વ્યાખ્યા જ ભણેલા-ગણેલા લોકો માટે નવી હતી, તો સામાન્ય નાગરિકને આની કેમ જાણ થશે અથવા તેનું અર્થધટન શું થશે, તેનો ખ્યાલ આવ્યો ન હતો. આ પણ જાગૃતિના અભાવનો એક નમૂનો જ કહેવાય.

લૉકડાઉનમાં 144 ની કલમ લગાડવામાં આવી અને અન્ય સોશિયલ ડિસ્ટંસિંગના પગલાં લેવા, હાથને વારંવાર સાબુથી ધોવા વગેરે જાહેરાતો થઇ, તેમ છતાં અંદાજે 500 – 600 જેટલા દર્દીઓની સંખ્યા હતી, તે અચાનક હજારોને પાર પહોચી ગઈ કે જેમાં એક ચોક્કસ કોમ ઉપર આરોપ લગાવવામાં આવ્યો, પરંતુ તે સિવાય આજે પણ કેટલાય ગ્રીન ઝોનમાં લોકો મોઢે રૂમાલ બાંધ્યા વિના ફરે, થૂકા-થૂક પણ ખરી અને કેટલાક વિસ્તારોમાં ટોળા પોલીસની ગાડી જોઈ ગલીમાં જતાં રહે છે અને પછી ‘જૈસે થે’ ની પરિસ્થિતિ. ત્યારે એમ લાગે કે આપણે તો એક જ શબ્દને ઓળખીએ અને માનીએ અને એ શબ્દ છે ‘કર્ફ્યુ’ . જો કે કર્ફ્યુમાં જીવન જરૂરિયાતની ચીજ – વસ્તુઓ ના મળે, પણ પ્રજાને એક જાગૃતિ સાથે પૂરી દેવી હોય, તો આ શબ્દ જાણીતો છે.

હવે વાત કરીએ સોશિયલ ડિસ્ટંસિંગની. તેમાં સોશિયલ મીડિયામાં પણ એ જ સંપૂર્ણપણે જાગૃતિનો અભાવ. લોકો સરકારની ગતિવિધિઓને શંકાની નજરે જુએ અને તેના ઉપર સોશિયલ મીડિયામાં ગાળા – ગાળી …. આટલેથી વાત અટકતી નથી. દાન – ધર્મમાં માનનારાઓ તો બસ ફોટા પડાવીને ક્યારે સાઇટ ઉપર ચઢાવીએ તેની રાહમાં, માલેતુજાર નારીઓ નિ:સ્વાર્થ સેવાઓ થતી હોય ત્યાં રૂપિયા કમાવવા નહીં, પણ સમય પસાર કરવા હાઉસી રમે , ક્યાંક સતત રોજ જુદી-જુદી જાતના વ્યંજનો બને. આ બધુ આપવાદ હોઇ શકે જો એમાં કોઈ રચનાત્મકતા હોય તો.

ખેર, રચનાત્મકતામાં પણ જાગૃતિનો અભાવ દેખાયો ને લોકો એક સાથે આવતા ત્રણ મહિનામાં આપણે કઈ પરિસ્થિતિમાં હોઇશું ? એના આયોજનમાં સોશિયલ મીડિયામાં 50 – 100 જણા મીટીંગ કરતાં થઈ ગયાં. ત્યારે ચોક્કસ લાગે કે આ લોકો પોતાના જીવન માટે કેટલા અંધકારમાં છે ? જ્યાં સમય મળ્યો છે જાતને ઉજાગર કરવાનો, ત્યાં નિરર્થક ચિંતાઓના વમળમાં પોતાની આવતીકાલના જીવન માટે જાગૃત રહેવાની બદલે ચિંતિત છે..!

આતો  થઈ જાગૃતિના અભાવની વાત, પણ જ્યાં જાગૃતિ, સંયમ અને સજાગતા હતી, ત્યાં વ્યકિતગતરૂપે ઘણાં સારા પરિણામો પણ હાસલ થયા છે. કેટલાય લોકો વ્યસનમુક્ત થયા, તો કેટલાય ઘરમાં પરસ્પર આનંદ રહ્યો, ક્યાંક ગેરસમજણો હતી, તે દુર થઈ વગેરે, પરંતુ આ બધું તમે પોતે જાગૃત હશો, તો શક્ય છે. આવા સંજોગોમાં ફકત ને ફકત ભૌતિકતાના માધ્યમો સાથે માથા પછાડવા કરતાં પોતાની ઊર્જાને વધારવાના પ્રયત્નોમાં સતત કાર્યરત્ રહેવું જોઇએ, કારણ કે કોઈ પણ પ્રકારનો ચેપ કોઈના પણ સતત સંપર્કમાં રહેવાથી થાય જ છે. તેથી આવશ્યકતા છે અંતરમાં ઉતરવાની, એકાંતના સેવનની અને તે પણ તમામ કર્તવ્ય-કર્મો કરતા રહીને.

Read In Hindi : जागते हुए भी ‘सो’ रहे लोगों को झकझोर कर जगा रहा कोरोना, ‘यह करो ना, वह करोना…’